વીર શહીદ ભગતસિંહજીને વીરાંજલી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટર દેવેનભાઈ રબારી

- text


ભગતસિંહ તો દેશ માટે શહીદ થયા હતા. ભગતસિંહને દેશ સાથે દિલનો સંબંધ હતો. યુવા પેઢીએ ભગતસિંહના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે- દેવેનભાઈ રબારી 

મોરબી : આજે 28 સપ્ટેમ્બર એટલે વીર શહીદ ભગતસિંહજીની જન્મદિવસ. મા ભારતીના વીર સપુત શહીદે આઝમ ક્રાંતિકારી ભગતસિંહજીના જન્મદિવસ નિમિત્તે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટર દેવેનભાઈ રબારીએ શહીદ ભગતસિંહજીને વીરાંજલી સહ કોટી કોટી વંદન કરી પોતાના શબ્દોમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે.

દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે, ભગતસિંહ એટલે ભારતમાતાના સપૂત, માને ગુલામીના અંધકારમાંથી બહાર કાઢવા ભગતસિંહે યુવાવયે પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું. આવા નામી-અનામી અસંખ્ય ભગતસિંહો ફાંસીએ લટકાયા ત્યારે આપણને આઝાદીનો સ્વાદ ચાખવા મળ્યો છે. મૂલ્યવાન આઝાદીને આપણે પચાવી શકયા નથી. ભારતની વસ્તી સવા અબજની છે, પરંતુ આ દેશમાં ‘ભારતીયો’ની અછત છે ! દેશમાં હિન્દુઓ છે, મુસ્લિમો કે ખ્રિસ્તીઓ છે, વિવિધ નાત છે-જમાત છે, પણ ભારતીયો કેટલાં ? કોમવાદ-જ્ઞાતિવાદમાં આપણે રાષ્ટ્રવાદ ભૂલી ગયા છીએ. દેશમાં રાષ્ટ્રભકિતની લહેરનો અભાવ પ્રારંભથી જ રહ્યો છે. લઘુમતી-બહુમતીના ચક્કરમાં ભારતીયોની ‘મતિ’ ફરી ગઈ છે. ભગતસિંહ મામલે પણ વિચિત્રતા પ્રવર્તે છે. કેટલાક આંદોલન ચલાવનાર કહે છે, હું ગાંધીજીનો નહિ ભગતસિંહનો ભકત છું. ભગતસિંહની સાચી ઓળખ કઈ ? ભગતસિંહ પંજાબીઓ કે શીખો માટે જ લડયા હતાં ??? ભગતસિંહ તો દેશ માટે શહીદ થયા હતા. ભગતસિંહને દેશ સાથે દિલનો સંબંધ હતો. યુવા પેઢીએ ભગતસિંહના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે. 23 વર્ષની વય છતાં ભગતસિંહે સમાજના તમામ પ્રશ્નો અંગે પોતાના વિચારો અને ઉપાયો વ્યક્ત કર્યા હતા. અછૂતનો પ્રશ્ન, બોમ્બની ફિલોસોફી, કોમી તોફાનો અને તેનો ઇલાજ, આતંકવાદ, ક્રાંતિ, ધર્મ એમ સંખ્યાબંધ પ્રશ્નો અંગે તેમણે પોતાના વિચારો વ્યક્ત કરીને પોતાની પરિપક્વતાના દર્શન કરાવ્યા હતા. ભગતસિંહે 1928માં એમ કહ્યું હતું કે આવનારા સમયમાં ભારત આઝાદ થશે કોઇ એક ગોળમેજી પરિષદ ભરાશે જેમાં આ દેશને આઝાદ થયેલો જાહેર કરવામાં આવશે. પરંતુ ગરીબ, મજદૂરો અને ખેડૂતોની હાલત એવી ને એવી જ રહેશે માત્ર રાજ કરતા ચહેરા બદલાશે. ગોરા અંગ્રેજોની જગ્યાએ કાળા લોકો સત્તામાં બેઠેલા હશે. ભગતસિંહના એ શબ્દો એ વિચારો આજે પણ પ્રસ્તુત છે.

- text

વીર ભગતસિંહ આજે હયાત નથી પરંતુ તેમના વિચારો આજે પણ હયાત છે. આજની યુવા પેઢીને એવો સંદેશો પણ આપી શકાય કે વીરભગતસિંહે એમ કહ્યું હતું કે, ક્રાંતિ ફક્ત બોમ્બ અને પિસ્તોલથી આવતી નથી. ક્રાંતિની તલવાર વિચારોની એરણ પણ ધારદાર બને છે. અન્ય શોષણ પર ટકેલી મૂડીવાદી વ્યવસ્થાને ઊખાડી ફેંકીને સમાજવાદની સ્થાપના કરવી એ ભગતસિંહની સ્વપ્ન હતું. આજના યુવાનોએ ભગતસિંહના સપનાનું ભારત બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ. શું નવી પેઢી એ માટે તૈયાર છે ખરી…!! ભગતસિંહ જેવી હસ્તીઓને આપણે અંજલી આપવાની લાયકાત પણ ગુમાવી ચૂકયા છીએ ! જયહિન્દ..ઇન્ક્લાબ જિંદાબાદ..

- text