મોરબીમાં ચકચારી ફાયરિંગ કેસમાં એક વ્યક્તિ ઘાયલ થતા બે વિરુદ્ધ ગુન્હો દાખલ

- text


હોથલ હોટલના ગ્રાઉન્ડમાં મિત્ર પાસેથી હથિયાર જોવા માટે લેતા ફાયરિંગ થયું હતું

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં મિત્ર પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર જોવા લીધા બાદ આ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ થતા એક વ્યક્તિને ઇજા પહોંચતા ચકચારી બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે ફરિયાદી બની બે વ્યક્તિ વિરુદ્ધ આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે, બીજી તરફ ફાયરિંગમા ઇજાગ્રસ્ત એક આરોપી હાલ હોસ્પિટલમાં સારવારમાં હોવાનું તેમજ અન્ય બીજા આરોપીને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં બેઠેલા આરોપી મોન્ટુ પલ્લવભાઈ રાવલ રહે.શનાળા ગામ વાળા પાસે ગેકાયદેસર પીસ્ટલ જેવું હથિયાર હોય આરોપી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. યદુનંદન સોસાયટી, શનાળા રોડ મોરબી વાળાએ આ હથિયાર જોવા માંગતા લોડેડ હથિયાર જોતા સમયે ફાયરિંગ થતા આરોપી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાના સાથળના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજાઓ સાથે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

બીજી તરફ બનાવની જાણ થતાં જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પીએસઆઇ પી.આર.સોનારાએ બનાવ અંગે આરોપી મોન્ટુ પલ્લવભાઈ રાવલ અને ઇજાગ્રસ્ત થયેલ આરોપી મહિપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text