દરેક મંદિરોમાં ગૌશાળા ચાલુ કરો, દરેક વ્યક્તિ એક ગાય માતા રાખે : ધીરેન્દ્ર શાસ્ત્રી

જો વકફ બોર્ડ હોય તો સનાતન હિન્દૂ બોર્ડ કેમ નહિ ? : કુંભકર્ણ બાદ જો કોઈ સુતું હોય તો તે હિંદુઓ છે : બાલાજીની આજ્ઞા હશે તો મોરબીમાં પણ કથા સંભળાવવાનું બાબાનું એલાન 

મોરબી : ખોખરાધામ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ પ્રસંગે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખાસ પધાર્યા હતા. તેઓએ હિન્દૂ રાષ્ટ્ર અને ગૌમાતાને લઈને અનેક શીખ આપી હતી. ઉપરાંત તેઓએ મોરબીના પાગલો, ઠઠરી કે જેવા પોતાના પ્રખ્યાત શબ્દો કહીને શ્રોતાઓને મજા પણ કરાવી હતી.

સૌપ્રથમ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખોખરા હનુમાનજીની જય બોલાવી ધૂન બોલાવી હતી. બાદમાં ઓછી તાલીઓ વાગતા તેઓએ પૂછ્યું કે ખોખરા હનુમાન કા પાગલ યહાઁ પર કૌન કૌન હૈ ? ભારત હિન્દૂ રાષ્ટ્ર કોણ ઈચ્છે છે ? ગૌ માતાને રાષ્ટ્રમાતા કોણ બનાવવા ઈચ્છે છે ? તો પછી તાલી કોણ વગાડશે ? આવું કહેતા જ શ્રોતાઓએ તાલીઓના ગડગડાટ શરૂ કરી દીધા હતા.

તેઓએ કહ્યું કે અમે રાજકોટ ઉતર્યા ત્યારે એક વ્યક્તિર પૂછ્યું કે બાબા આટલી મહેનત કરો છો તમે શું કરવા માંગો છો મે કહ્યુ કે ઠઠરી કે સાંભળ, ગુજરાતના પાગલો સાંભળો, મારે મંદિરોમાં ભીડ અને રોડ ઉપર તુફાન જોઈએ છે. રામ રાજ્ય વાળું હિન્દુસ્તાન જોઈએ છે.

તિરુપતિ મંદિરમાં જે ષડયંત્ર રચી વૈષ્ણવ પરંપરા ખંડિત અને દૂષિત કરવાનું કાર્ય કરાયું છે. તેનો બચાવ એ છે કે દરેક મંદિરમાં ગૌશાળા બનાવવામાં આવે અને ગૌ દુગ્ધ અભિષેક, શુદ્ધ ઘીની જ્યોત કરવામાં આવે અને પ્રસાદ વિતરણ થાય તો ધર્મ વિરોધીઓ ક્યારેય સફળ નહી થાય. દરેક મંદિરોને સુરક્ષિત કરવા હોય, તો દરેક મહાત્માને અપીલ છે કે જો વકફ બોર્ડ હોય તો સનાતન હિન્દૂ બોર્ડ પણ હોવા જોઈએ. પ્રત્યેક મંદિરોમાં એક એક ગૌશાળા હોવી જોઈએ. જેનાથી ગૌ માતા પણ સુરક્ષિત રહેશે.


મોરબી તો સમયની નગરી છે

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે મોરબીમાં આવીને મેં પૂછ્યું કે અહીં શુ પ્રસિદ્ધ છે મને જવાબ મળ્યો, ટાઇલ્સ અને ઘડિયાળ.

જ્યાં ઘડિયાળ પુષ્કળ બનતી હોય તે સમયની નગરી છે. હું સમયની નગરીમાં આવી પ્રથમ વાર આવ્યો. પૂ. કેશવાનંદજી મહારાજની રજત જયંતિ મહોત્સવમાં આવ્યો છું. બનારસ પહોંચવાનું હતું પણ ગુજરાત પહોંચી ગયો. આને જ કહેવાય કે જ્યાના દાણા પાણી લખ્યા હોય, માણસ ત્યાં જ પહોંચી જાય. ખોખરા હનુમાનજી મહારાજે બોલાવ્યો હોય તેવું લાગ્યું છે. મને આજ્ઞા મળી છે કે એક વાર મોરબીમાં કથા સંભળાવવાની છે. બાલાજી ઇચ્છશે તો ખૂબ જલ્દી જ કથા સંભળાવીશ.


ગુજરાતની ભૂમિ ભક્તિની ભૂમિ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાત ભક્તિની ભૂમિ છે. આ સોમનાથ મહાદેવ, નરસિંહ મહેતા, દ્વારકાધીશ, આશાપુરા મા, અંબા મા, બાપા સિતારામની ભૂમિ છે. એકથી એક મોટા સંતો- મહંતો અહીં થયા છે. ઉપરાંત અહીંના જ વ્યક્તિ દિલ્હીમાં વડાપ્રધાનની ખુરશી ઉપર બેસીને વિરોધીઓની છાતી ઉપર ચડી ગયા છે.


હું બહેકાવતો નથી, જાગૃત કરું છું

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હું બહેકાવતો નથી, જાગૃત કરું છું. એક પત્રકારે કહ્યું કે તમે હિન્દૂ મુસ્લિમ કરો છો.મે કહ્યું કે હું તો હિન્દૂ હિન્દૂ જ કરું છું. કોઈને ખોટુ લાગે તો હું શું કરું. હું મારા બાપને બાપ કહું છું. જેને ટેનશન હોય તે મારા બાપને બાપ કહી દયે. મને શું વાંધો હોય તેમાં. હું દેશમાં દંગા નહિ ગંગા ઇચ્છું છું.


આપણા રામના રાષ્ટ્રમાં કોઈ રામના અસ્તિત્વનું સબુત ન માંગે તેવુ મારે જોઈએ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે તિરુપતિનો બનાવ ખબર પડી પછી આપણે શું કર્યું ? કુંભકર્ણ પછી જો કોઈ સુતું હોય તો તે હિન્દૂ છે. મારે નેતા નથી બનવુ, વોટ પણ નથી જોતો મારો પ્રયાસ તમારી પેઢી કાશ્મીરી પંડિતોની જેમ પ્રદેશ છોડીને ન ભાગે તેવો છે. મારે બસ એટલું જ જોઈએ કે તમારી બેન બેટી રોડ ઉપરથી નીકળે તો તેના 30 ટુકડા ન થાય. પાલઘરના સંતોને જેટલી નિર્દયતાથી માર મારવામાં આવ્યો, તેમ સંતો મહંતો સામે કોઇ આંગળી ન ચીંધે. મારે માત્ર એટલું જ જોઈએ કે આપણા રામના રાષ્ટ્રમાં કોઈ રામના અસ્તિત્વનું સબુત ન માંગે.


જેના દીકરા 100 કરોડ હોય, એની મા રોડ ઉપર હોય, આનાથી મોટું દુર્ભાગ્ય શુ ?

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે 100 હિન્દૂઓની વચ્ચે 10 મુસ્લિમ સુરક્ષિત છે. પણ 100 મુસલમાનો વચ્ચે 1 હિન્દૂ સુરક્ષિત નથી. હું એમનો વિરોધી નથી. એમાં પણ ઘણા સારા લોકો છે. તેમનું સન્માન છે. પણ વર્તમાન પરિસ્થિતિ ખૂબ વિચિત્ર છે. ધર્મનું સન્માન છે. હિન્દૂઓએ એક ક્રાંતિ લાવવી પડશે. એક હિન્દૂ પરિવાર એક ગાય. ફ્લેટમાં રહો છો, તો ગૌ શાળામાં સેવા કરવાનો સંકલ્પ લ્યો. તમે જેને માતા કહો છો તે માતા રોડ ઉપર છે. લોકો તેને આવારા પશુ કહે છે. જેના દીકરા 100 કરોડ હોય, એની મા રોડ ઉપર હોય, આનાથી મોટું દુર્ભાગ્ય દેશનું બીજું કંઈ નથી. ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવવા પહેલા ગાયને આગળ કરવી પડશે.


એક મંદિરેથી બીજા મંદિર સુધી પદયાત્રા યોજો 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યુ કે હવાઈ જહાજ અને ચાર્ટરથી ધર્મ બચવાનો નથી. હું નવેમ્બરમાં પદયાત્રા યોજવાનો છું. 160 કિમીની પદયાત્રા હશે. આ પદયાત્રામાં આગળ ગૌમાતા ચાલશે. તમે લોકો પણ તમારા વિસ્તારમાં ગૌમાતાને બચાવવા, હિન્દુઓને એક કરવા જાત-પાત, ઉચ નીચ હટાવવા માટે એક મંદિરથી બીજા મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ કરો. તમામ લોકોને ગળે લગાવો.


મોરબીના પાગલો…ખોખરા હનુમાનજીના ચરણોને પકડી લ્યો, ક્યાંય ભટકવાની જરૂર નથી

ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે બીજા વિશે જાણવું જ્ઞાન છે. આપણા વિશે જાણવું આત્મજ્ઞાન છે. ગુરુ વિશે થોડું પણ જાણવું બ્રહ્મજ્ઞાન છે. અહીં પૂ. મા કનકેશ્વરી દેવીજીનું આ આયોજન અદભુત છે. તમારે ક્યાંય જાવાની જરૂર નથી. ખોખરા હનુમાનજી મંદિરને જ પકડી લ્યો. અહીં જ બધા સંતો-મહંતો આવી રહ્યા છે. અંતમાં તેઓએ કહ્યું કે મોરબીના પાગલો.. ખોખરા હનુમાનજીના ચરણોને પકડી લ્યો, ક્યાંય ભટકવાની જરૂર નથી.