મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતી સીટી બસ ડિટેઇન કરતી પોલીસ

- text


બસ ડીટેઈન થતા લીલાપર -નવાગામ માટે બીજી બસ મુકવી પડી

મોરબી : મોરબીમાં છેલા લાંબા સમયથી નંબર પ્લેટ વગર દોડતી સીટી બસ સામે પાલિકાતંત્ર લાજ કાઢી રહ્યું છે ત્યારે મંગળવારે શહેરના લીલાપર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે સીટી બસ ઉભી રાખવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસે બસને ડિટેઇન કરી લેતા મોરબી પાલિકાના કોન્ટ્રાક્ટરને લીલાપર-નવાગામ રૂટ ઉપર બીજી બસ મુકવી પડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી મોરબી સીટી બસના કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ કારણોસર સિટીબસમાં નંબર પ્લેટ લગાવ્યા વગર જ અલગ અલગ રૂટ ઉપર સીટી બસ દોડાવી આરટીઓનો નિયમભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે મંગળવારે મોરબીના લીલાપર -નવાગામ રૂટની બસ લીલાપર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ પાર્ક કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસે બસને ડીટેઈન કરી લઈ કાયદેસરની કાર્યવાહી કરતા સીટી બસના કોન્ટ્રાક્ટરને દોડધામ થઇ પડી હતી.

બીજી તરફ અડચણરૂપ પાર્કિંગ કરેલ નંબર પ્લેટ વગરની સીટી બસ ડિટેઇન કરવા અંગે સીટી એ ડીવીજન પીઆઈ હકૂમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ સીટી બસ રસ્તા ઉપર અડચણરૂપ પાર્ક કરેલી હોય જેથી પોલીસે બસના કાગળો માંગતા કોઈ કાગળ પણ તેની સાથે ન હોવાથી સીટી બસ ને ડિટેઇન કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સીટી બસ ડિટેઇન કરવામાં આવતા મંગળવારના બપોર સુધી લીલાપર નવાગામ સુધીના રૂટ પર બસ સેવા બંધ રહી હતી. મોરબી પાલિકામાં સીટી બસનું સંચાલન કરતા હિતેષભાઇ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પોલીસે બસ ડિટેઇન કરતા મંગળવારે બપોર પછી આ રૂટ પર બીજી બસની વ્યવસ્થા કરી રૂટ ચાલુ કરાવ્યો હતો.

- text

- text