પરમાત્માને પણ પોતાના નિવાસ માટે મનુષ્ય દેહ ઉત્તમ લાગ્યો : શંકરાચાર્ય 

- text


ખોખરાધામ ખાતે શ્રીમદ ભાગવત કથાના પૂર્ણાહુતિ પ્રસંગે દ્વારકાપીઠના શંકરાચાર્ય પૂ.સદાનંદ સરસ્વતી મહારાજે પાઠવ્યા આશિર્વચન

મોરબી : મોરબી નજીક આવેલ ખોખરાધામ ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ થઈ છે. કથાના અંતિમ દિવસે દ્વારકાપીઠના શંકરાચાર્ય પૂ.સદાનંદ સરસ્વતી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે પરમાત્માને પણ પોતાના નિવાસ માટે મનુષ્ય દેહ ઉત્તમ લાગ્યો છે.

તેઓએ આશિર્વચન આપતા જણાવ્યું કે સમગ્ર સૃષ્ટિના નિર્માણ બાદ જ્યારે મનુષ્ય દેહનું નિર્માણ થયું ત્યારે સૃષ્ટિકર્તા એ પ્રસન્નતા અનુભવી. જેમ દીકરા- દીકરીના સારા કાર્યથી માતા પિતાને પ્રસન્નતા થાય. તેમ ભગવાન પણ મનુષ્યના સારા કાર્યથી પ્રસન્ન થાય છે. દરેક જીવમાં પરમાત્મા વસે છે પરંતુ મનુષ્યમાં બુદ્ધિ હોવાથી તે સર્વત્ર હાંસલ કરી શકે છે. અને એટલે જ પરમાત્માએ વિચાર કર્યો કે જેમ દરેકને સારા આસન પર બિરાજમાન થવું હોય તેમ પરમાત્માને પણ મનુષ્ય દેહમાં બિરાજમાન થવું હોય છે આથી પરમાત્માને પોતાના નિવાસ માટે મનુષ્ય દેહ ઉત્તમ લાગ્યો.

લોકો પૂછતા હોય છે કે સનાતન ક્યાંથી આવ્યું, વેદો ક્યાંથી આવ્યા પરંતુ આ વિશે કોઈને કાંઈ જ સાચી ખબર નથી. ગર્ભાવસ્થામાં મનુષ્ય જીવ પરમાત્માને કહે છે કે હું મનુષ્ય રૂપે તારી ભક્તિ કરીશ તારું ભજન કરીશ. પરંતુ પૃથ્વી ઉપર આવ્યા બાદ મનુષ્ય જીવ બધું ભૂલી જાય છે. ત્યારે ભગવાન વિચાર કરે છે કે જે જગ્યાએ મારે બિરાજમાન થવાનું હતું તે જગ્યાએ અન્ય કોઈ બિરાજમાન છે અને આ ભજન કરવાનું પણ ભૂલી ગયો. આથી જ મનુષ્ય નજીક પરમાત્મા હોવા છતાં પણ તે પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકતો નથી. એટલે જ ભગવાનનેને પણ અમુક અમુક સમયે અવતાર ધારણ કરવો પડે છે.

જેવી રીતે અજ્ઞાની સંતાન માટે માતા પિતા ચિંતિત હોય છે તેવી જ રીતે અજ્ઞાની, અબુધ મનુષ્ય માટે ભગવાન પણ ચિંતિત રહે છે. અને વારંવાર અવતાર લઈ મનુષ્યને જ્ઞાની બનાવવાની કોશિશ કરે છે. જો મનુષ્ય પરમ તત્વ જાણી લે તો તેના તમામ દુઃખ દૂર થઈ જાય છે.


મનુષ્યએ સમગ્ર જીવન દરમિયાન આત્માનું કલ્યાણ કરવું જોઈએ

શંકરાચાર્યજીએ જણાવ્યું કે એક વખત રાજા પરીક્ષિતે પણ સુખદેવજીને પૂછ્યું કે મૃત્યુના અંતિમ સમયે મનુષ્યએ શું કરવું જોઈએ. ત્યારે સુખદેવજીએ કહ્યું કે મનુષ્ય સૌથી વધુ પ્રેમ પોતાના જીવને કરે છે. મનુષ્ય ફક્ત મૃત્યુ સમયે નહીં પરંતુ સમગ્ર જીવન દરમિયાન આત્માનું કલ્યાણ કરવું જોઈએ. અને પશુ બુદ્ધિનો ત્યાગ કરવો જોઈએ. ધ્યાન ધરવું જોઈએ. તપસ્યા કરવી જોઈએ. આ શીખ બાદ પરીક્ષિત એ વિચાર્યું કે હવે મારું મૃત્યુ નહીં આવે. ત્યારે સુખદેવજીએ કહ્યું કે રાજન તારું મૃત્યુ નહીં આવે. પરંતુ તારા લેખમાં જે રીતે લખાયું છે તે પ્રમાણે સાપ પણ આવશે. ઝેર પણ ચડશે તેમ છતાં તારું મૃત્યુ નહીં થાય. અંતમાં સુખદેવજીએ કહ્યું કે જ્યારે આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે આત્મા મૃત્યુ પામતો નથી.


સનાતન ધર્મની રક્ષા માટે શ્રીમદ ભાગવત, શિવપુરાણની કથા કરવી જરૂરી

શંકરાચાર્યજીએ જણાવ્યું કે આજે સનાતન ધર્મને નષ્ટ કરવા વાળું કોણ છે પ્રસાદમાં ભેળસેળ કરવા વાળું કોણ છે ? એવા ઘણા પાપી લોકો પણ અહીં છુપાયેલા છે એટલે જ સનાતન ધર્મની રક્ષા માટે શ્રીમદ ભાગવતની કથા, શિવપુરાણની કથા કરવી જોઈએ, સાંભળવી જોઈએ. મનુષ્યનો દેહ આ લોક અને પરલોકના નિર્માણ માટે છે.

- text


આપણે આપણાથી જ ભિન્ન થતા જઈએ છીએ

શંકરાચાર્યજીએ જણાવ્યું કે આપણી અજ્ઞાનતાનું મુખ્ય કારણ પણ એ જ છે કે આપણે આપણાથી જ ભિન્ન થતા જઈએ છીએ અને સુખ શોધીએ છીએ. એ જાણવા માટે જ શ્રીમદ ભાગવતની કથા છે જેનું શ્રવણ કરવાથી ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મનું પાલન કરવું જોઈએ ધર્મની રક્ષા કરવી જોઈએ.


- text