લખધીરગઢ પ્રા. શાળાનાં શિક્ષિકાએ તમામ બાળકોને આપી પીગી બેન્ક

- text


શિક્ષિકા જીવતીબેને તમામ બાળકોને બચતનું મહત્વ સમજાવી દરરોજ બચત કરવા કર્યું આહવાન

મોરબી : લખધીરગઢ પ્રાથમિક શાળાનાં શિક્ષિકા જીવતીબેન દ્વારા શાળાના તમામ બાળકોને પિગી બેંક આપવામાં આવી હતી. પિગી બેંક મતલબ ગુલ્લક કે ગલ્લો જેનાથી બાળકો સેવિંગ્સ શીખશે. જીવતીબેને બાળકોને સંબોધતાં કહ્યું કે, “આજની બચત આવતી કાલની સવલત!”

તેઓએ બાળકોને જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 30 ઓક્ટોબરના દિવસે વિશ્વ બચત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આપણને નાણાની બચત રોકાણ અને નાણાનો કરકસર પૂર્વક ઉપયોગનું મહત્વ સમજાવે છે. ભવિષ્યમાં અને આપત્તિના સમયમાં નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે બચત જરૂરી છે. આર્થિક સંકડામણ શું હોય એ બાબત આપણે કોરોનામાં સારી રીતે શીખી ગયા. આવી પરિસ્થિતિનો સામનો ભારતના ભાવિ એટલે કે આજના બાળકને ન કરવો પડે તે માટે એ બચત વિશે જાણતું હોય એ જરૂરી છે. બચત કેમ કરવી કેવી રીતે કરવી? આ બાબતોથી માહિતગાર હશે તો પછેડી એવડી સોડ કરતાં શીખી જશે સાથે સાથે બચત પણ કરતું થશે. એમાંય એને પિગી બેંક મળે તો વહેલાથી જ બચત કરવાનું શરૂ કરે છે. કહેવાય છે ને ‘ટીપે ટીપે સરોવર ભરાય!’ એક દિવસની નાની બચતથી બહુ નુકસાન થતું નથી પરંતુ તે જ નાની બચત આવનારા ખરાબ સમયને બદલી શકે છે. બચત કરનાર બાળક પૈસાનો બગાડ કરતું નથી અને ભવિષ્યમાં પણ તે પૈસાનો કરકસરપૂર્વક ઉપયોગ કરશે. બાળપણથી જ પડેલી આ સુટેવ એના ભવિષ્યને સુરક્ષિત કરે છે. તેમજ બાળકને ઘરેથી મળતા પોકેટ મનીનો દૂરુપયોગ થતો નથી.

- text

- text