મોરબીનો લાતીપ્લોટ ઘડિયાળ હબ મટી સમસ્યાઓનો ગઢ બન્યો

- text


પેરિસ ગણાતા લાતી પ્લોટમાં રાજનેતાઓ ફરકવાની હિંમત નથી કરતા : સાંજ પડ્યે લૂખ્ખારાજ

મોરબી : મોરબી શહેરમાં ઘડિયાળ ઉદ્યોગનું હબ ગણાતા લાતીપ્લોટ વિસ્તારમાં વિકાસની તકો જોતા એક સમયે મોઝેક ટાઈલ્સથી લઈ આધુનિક ટાઈલ્સના શોરૂમની ભરમાર હતી પરંતુ છેલ્લા દસકામાં નગરપાલિકાના ઓરમાયા વર્ણનને કારણે અહીં ગટરની ગંદકી, તૂટેલા રસ્તા અને લુખ્ખાઓના ત્રાસના કારણે લાતીપ્લોટમાંથી ઉદ્યોગકારોએ પલાયન શરૂ કરતા હાલમાં લાતીપ્લોટ ઘડિયાળ હબ મટીને દેશીદારૂંનું પીઠું બન્યો છે છતાં ધારાસભ્ય સહિતની નેતાગીરી મૌન ધારણ કરીને બેઠી છે.

મોરબી શહેરની આગવી ઓળખસમાં લાતીપ્લોટમાં એક સમયે ધડીયાલ ઉદ્યોગ, નાના લેથના કારખાના, મોલ્ડિંગ મશીન ઉદ્યોગ, ઉલીયા ઉદ્યોગ, નાના વુડન શોપ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો દબદબો વર્ષો સુધી રહ્યા બાદ છેલ્લા દાયકામાં અહીં ઉભરાતી ગટરોની ગંદકી, બારે મહિના રોડ ઉપર ગંદા પાણી ફરી વળવા અને તૂટેલા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટનો અભાવ સહિતના કારણોથી ધીમેધીમે ઘડિયાળ ઉદ્યોગ રાજપર તરફ પલાયન કરી ગયો તો અન્ય ઉદ્યોગ ભાંગીને ભુક્કો થઇ જવાની સાથે ટાઈલ્સના શોરૂમ સામાકાંઠા વિસ્તારમાં સીફ્ટ થઇ જતા હાલમાં લાતીપ્લોટ વિસ્તાર જુગારના અડ્ડા અને દેશી-વિદેશી દારૂના અડ્ડા શરૂ થયા છે સાથે જ રાતના સમયે લુંટફાટ થતી રહે છે પરંતુ લોકો ફરીયાદ કરવાનું ટાળી રહ્યા છે.

ચોંકાવનારી વાતતો એ છે કે, મોરબીમાં સૌથી ઉંચી જંત્રી લાતીપ્લોટમાં હોવા છતાં વર્તમાન સંજોગો જોતા અહીં પ્રોપર્ટી ની લે-વેચ ઓછી થાય છે. સાથે જ ઘડિયાળ ઉદ્યોગના મત લેવા માટે તત્પર કોઈ પક્ષ, વિપક્ષના નેતા આ વિસ્તારમાં ડોકાતા જ નથી ત્યારે મોરબીના પેરીસ ગણાતાં લાતી પ્લોટ વિસ્તારની હાલત અત્યંત બળતરથી પણ બદતર થઇ જવા પામી છે, જો કે હાલમાં લાતીપ્લોટમાં અનેક શ્રમિક વર્ગના લોકો મને કમને વસવાટ કરી રહ્યા છે પણ પારાવાર ગંદકી અને સુવિધાઓના અભાવે મજૂરવર્ગના લોકોને પણ અહીં વસવાટ કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભૂગર્ભ ગટર ઉભરાવવાના કારણ અંગે સ્થાનિક વેપારી અનિલભાઈ ખારેચા જણાવે છે કે, લાતી પ્લોટની આજુબાજુના વિસ્તારો જેવા કે શનાળા રોડ, રાજનગર, પંચાસર રોડ સહિતના વિસ્તારો લાતી પ્લોટથી 1.5 થી 2 ફૂટ સુધીના ઉંચા થઇ જતા લાતી પ્લોટ રકાબી જેવું થઇ ગયું છે. આ ઉપરાંત વરસાદી પાણીનો નિકાલ લાતીપ્લોટ 7 માંથી પંચાસર રોડ બાજુ જતો હતો તે બંધ થઇ જતા પાણી ભરવાની સમસ્યા ઉદભવી છે.


આખા લાતીપ્લોટમાં એક પણ બેન્ક એટીએમ નહીં

મોરબી શહેરનો ઘડિયાળ ઉદ્યોગ આમતો વિશ્વ પ્રસિદ્ધ છે દેશમાં એક પણ શહેર એવું નહીં હોય જ્યાં મોરબીની ઘડિયાળના કાંટા નહીં ફરતા હોય પરંતુ દુઃખદ બાબત એ છે કે હજારો કરંટ ખાતા ધરાવતા લાતી પ્લોટમાં એક પણ બેંકનું એટીએમ નથી કે બેન્કની સુવિધા પણ લાતીપ્લોટના નસીબમાં નથી.


પ્લાયવુડ અને અનાજ કરિયાણાનું હબ બની શકે છે લાતીપ્લોટ

મોરબીના લાતીપ્લોટમાં હાલમાં ઘડિયાળ, લેથ, મોલ્ડિંગ તેમજ ઉલિયા સહિતના ઉદ્યોગે ઉચાળા ભર્યા છે ત્યારે બીજી તરફ શહેરના મોકાના ગણાતા આ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પ્લાયવુડ અને કરિયાણાના હોલસેલ વેપારીઓ લાતીપ્લોટમાં પોતાના વ્યવસાયને વિસ્તારી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર થોડી ઘણી પણ સુવિધા આપે તો લાતીપ્લોટ ફરી ધમધમી શકે તેમ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.


લાતી પ્લોટમાં 1500 યુનિટો કાર્યરત

લાતીપ્લોટ અંદાજે 40 વર્ષથી અસ્તિત્વમાં છે જેમાં સૌથી પહેલા મોઝેક ટાઇલ્સની 40 જેટલી ફેકટરીઓ હતી ત્યારબાદ 1990 પછી ઘડીયાળ ઉદ્યોગની સ્થપના થઇ અને ધીમે ધીમે વધીને હાલ 250 જેટલા યુનિટો ઘડિયાળના કાર્યરત છે અને એને સંલગ્ન લેથ મશીનરી, મોલ્ડિંગ મશીનો, કાંટા ઉદ્યોગ, બોક્ષ પેકીંગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સહિતના ઘડિયાળને લગતા 600 જેટલા યુનિટો કાર્યરત છે. અને લાતી પ્લોટ શેરી ન. 1 થી મંડી ને 14 સુધીમાં જુદા જુદા 1500 ઉદ્યોગો કાર્યરત છે. હાલ લાતી પ્લોટ 2,3,5,6,7 અને લાતીપ્લોટના મુખ્ય માર્ગ સૌથી વધુ સમસ્યાઓથી પ્રભાવિત છે.

- text


ઉભરાતી ભૂગર્ભના કારણે 8 મહિનાથી ધંધા બંધ છે – વેપારી

લાતી પ્લોટ -5 માં વેપાર કરતા નિઝામભાઇ પીલુડીયા જણાવે છે કે લાતી પ્લોટ 5 ની બાજુમાં કોમ્પ્લેક્ષમાં હોસ્પિટલના 250 જેટલો સ્ટાફ રહેતો હોવાથી તેનું ભૂગર્ભનું પાણી રોડ ઉપર ઉભરાય છે જેના કારણે અહીં વેપાર કરતા 25 જેટલા વેપારીઓનો આઠ મહિનાથી વેપાર ધંધા બંધ થઇ ગયા છે. આ અંગે 15 વાર પાલિકામાં અરજી કરી પણ કોઈ નિકાલ થતો નથી


લાતીપ્લોટની સમસ્યા ઉકેલવા આયોજન કરીશું – ચીફ ઓફિસર

લાતી પ્લોટની ભૂગર્ભ, રસ્તા, લાઈટ અને સફાઈની સમસ્યા અંગે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે ત્યાં સફાઈની કામગીરી શરુ કરવામાં આવૈ છે, ભૂગર્ભ અને લાઈટ અંગેના પ્રશ્નોનું પણ સોલ્યુશન કરવાંમાં આવશે, અને લાતીપ્લોટ ના વિકાસ અંગે પણ આયોજન કરીશું


- text