આવેદનપત્રોની પોથીયાત્રાઃ લાતી પ્લોટના પ્રશ્નો અંગે કોંગ્રેસ અને વેપારીઓએ ઢોલ વગાડી પોથીયાત્રા કાઢી

- text


વર્ષો જૂની 500 જેટલી ફરિયાદોની પોથી ચીફ ઓફિસરને આપવામાં આવી

મોરબી : મોરબી શહેરમાં આવેલા લાતી પ્લોટમાં છેલ્લા ઘણા દિવસથી ગટરના પાણી ભરાવા, ગંદકી અને કાદવ-કીચડ સહિતના અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. મોરબીના લાતી પ્લોટની સ્થિતિ નર્કાગાર જેવી થઈ ગઈ છે. આ સમસ્યાઓ અંગે વેપારીઓએ અનેક વખત નગરપાલિકાને રજૂઆતો અને અરજીઓ કરી છે તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે આજે લાતી પ્લોટ વિસ્તારના પ્રાણ પ્રશ્નોને લઈને સ્થાનિક વેપારીઓએ કોંગ્રેસને સાથે રાખીને ઢોલ નગારા સાથે આવેદનપત્રોની પોથી લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ પોથી પર લખવામાં આવ્યું હતું કે, લાતી પ્લોટના પ્રાણ પ્રશ્નો આવેદનપત્રની પોથી..

આ પોથી યાત્રા સમગ્ર લાતી પ્લોટ વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને ત્યારબાદ ઢોલ નગારા વગાડીને નગરપાલિકા કચેરીએ પહોંચીને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અનોખા વિરોધમાં મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના નેતાઓ અને વેપારીઓ જોડાયા હતા અને સૌએ માથા પર આવેદનપત્રની પોથી ઉપાડી અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં લાતી પ્લોટની વિવિધ સમસ્યાઓની અંદાજે 500 જેટલી ફરિયાદો કરવામાં આવી છે છતાં આ બહેરું-મુંગુ તંત્ર જાગ્યું નથી. તેથી મોરબી નગરપાલિકા તંત્રને જગાડવા માટે તમામ રજૂઆતો અને પ્રશ્નોની પોથી બનાવીને ચીફ ઓફિસર પાસે પોથી પધરાવવા જઈ રહ્યા છીએ. માત્ર સફાઈ અભિયાનના નામે નાટક કરતી ભાજપની સરકાર અને તંત્ર જાગે અને લાતી પ્લોટના વેપારીઓની સમસ્યા હલ કરે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, લાતી પ્લોટમાં ઘણા સમયથી લાતી પ્લોટમાં પાણીના નિકાલનો પ્રશ્ન છે જેના કારણે વાહનો અંદર આવી શકતા નથી. ભ્રષ્ટાચારના કારણે જ મોરબીનો વિકાસ થતો નથી. નગરપાલિકા વેરો ઉઘરાવે છે તેમ છતાં કોઈપણ પ્રકારની સુવિધા આપતી નથી. લાતી પ્લોટમાં સમસ્યાઓના કારણે વેપાર-ધંધા પણ ઠપ્પ થઈ ગયા છે. છેલ્લા ઘણા વર્ષથી અમે નગરપાલિકાના ધક્કા ખાઈને રજૂઆતો કરીએ છીએ પરંતુ અધિકારીઓ યોગ્ય જવાબ આપતાં નથી. મત માગવા આવતા નેતાઓ પણ મત લઈને જતાં રહે છે

- text

- text