સરકારી શાળામાં શિષ્યવૃત્તિ મેળવવા અનેકવિધ ડોક્યુમેન્ટ માગતા વાલીઓ કંટાળ્યા

- text


શિષ્યવૃતિ મેળવવા સાત કોઠા વિંધવા જેવું કઠિન કામ, ઘણા વાલીઓએ શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડી દીધી

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1650 રૂપિયા અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. જો કે આ શિષ્યવૃત્તિ મેળવવા વાલીઓ અને વિદ્યાર્થીઓએ અનેકવિધ ડોક્યુમેન્ટ રજૂ કરવા પડતાં હોય અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેના કારણે શિષ્યવૃત્તિ મેળવવી એ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સાત કોઠા વિંધવા જેવું કઠીન કામ બની ગયું છે. જેથી ઘણા વાલીઓએ તો કંટાળીને શિષ્યવૃત્તિ લેવાની જ ના પાડી દીધી હોવાનું જોવા મળી રહ્યું છે.

- text

વિદ્યાર્થીઓ અને વાલીઓના જણાવ્યા પ્રમાણે, શિષ્યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. આ દરખાસ્ત કરવા માટે સૌપ્રથમ વિદ્યાર્થીના નામનું બેંક ખાતું હોવું જરૂરી છે. જ્યારે ઘણી બેંકો બાળકોના બેંક ખાતા ખોલવાની ના પાડે છે અથવા તો તેમાં 5 હજાર જેટલી રકમ જમા કરાવો તો જ બેંક ખાતું ખોલી આપે છે. આ ઉપરાંત આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશનકાર્ડ, સહિતના ડોક્યુમેન્ટ માગવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને અભ્યાસ કાર્ય પર અસર પડે છે. તેથી વાલીઓ અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જો સરકારે ખરેખર શિષ્યવૃત્તિ આપવી હોય તો પ્રક્રિયા સરળ રાખવી જોઈએ. હાલ આ અઘરી પ્રક્રિયાથી શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું છે.

- text