મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જમીન મકાનના ધંધાર્થીનો આપઘાત

- text


15 વ્યાજખોરો વિરુદ્ધ મરવા મજબુર કર્યા અંગે ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર રહેતા જમીન મકાનના ધંધાર્થી અને સાથે વ્યાજ વટાઉનો કમિશન ઉપર ધંધો કરતા પ્રૌઢે ગ્રાહકોને આપેલા નાણાં પરત નહિ આવવાની સાથે જેમની પાસેથી વ્યાજે નાણાં લીધા હતા તેવા વ્યાજંકવાદીઓએ ત્રાસ આપવાનું શરૂ કરતા કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લેતા મોરબીના 15 વ્યાજંકવાદીઓ સામે ગુન્હો નોંધી પોલીસે પ્રૌઢના નાણાં નહિ ચૂકવનાર કુલ 26 શખ્સો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.

મોરબીના ચકચાર જગાવતી વ્યાજખોરીની ઘટનાની વિગતો જોઈએ તો મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની અને હાલમાં મોરબીના શનાળા રોડ ઉપર આરાધના સોસાયટીમાં રહેતા ફરિયાદી જયોતિબેન હરેશભાઇ સાયતાએ તેમના પતિ હરેશભાઇ કાંતીલાલ સાયતા (ઉ.વ.52)એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હોવાનું જાહેર કર્યું હતું.

- text

વધુમાં મૃતક હરેશભાઇ કાંતીલાલ સાયતાએ આપઘાત કરતા પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં આરોપી વ્યાજખોર (૧) યશવંતસિંહ રાણા (૨) રાજભા અંકુર સોસાયટી (૩) ભીખાભાઇ ભોજાણી (૪) નરેન્દ્રભાઇ ભોજાણી (૫) યોગેશભાઇ મિસ્ત્રી (૬) સવજીભાઇ ફેફરભાઇ પટેલ (૭) વનરાજસિંહ (૮) નવીન હિરાભાઇ (૯) મહાવીરસિંહ (૧૦) ભાવેશભાઇ કારીયા (૧૧) સમીરભાઇ પંડયા (૧૨) લલીત મીરાણી (૧૩) ગીરીશભાઇ કોટેચા (૧૪) જગાભાઇ ઠક્કર અને (૧૫) કલ્પેશ જગાભાઇ ઠકકર નામના આરોપીઓ મોત માટે જવાબદાર હોવાનું અને છેલ્લા ૧૫ દિવસથી વ્યાજ નહિ ચૂકવી શકતા વ્યાજખોરો હેરાન કરતા હોવાનું જણાવતા જ્યોતિબેને આ તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેલ્લા ચાર વર્ષથી આજદીન સુધી પ્રૌઢને વ્યાજ માટે ત્રાસ આપી મરવા મજબુર કરનાર તમામ વ્યાજખોરો વિરુદ્ધ બી.એન.એસ કલમ.૧૦૮, તથા નાણા ધીરધાર અધિનિયમની કલમ.૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રૌઢ કમિશન ઉપર નાણાં લઈ અન્યોને વ્યાજે નાણા આપતા

મોરબીમાં જમીન મકાનની સાથે વ્યાજનો કમિશનથી ધંધો કરતા હરેશભાઇ કાંતિલાલ સાયતાએ આપઘાત કરતા પૂર્વે લખેલી ત્રણ પાનાની સ્યુસાઇડ નોટમાં પોતે વ્યાજનો કમિશનથી ધંધો કરતા હોવાનું અને અન્ય 26 લોકો પાસેથી 57 લાખ રૂપિયા લેવાના નીકળતા હોવાનું તેમજ આ લોકો પૈસા ન ચૂકવતા હોય 15 દિવસથી વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરોએ જીવવું હરામ કરી નાખ્યું હોવાનું અને પોતાના મોત પાછળ આ લોકો જ જવાબદાર હોવાનું સ્યુસાઇડ નોટમાં જાહેર કર્યું હોવાનું જાણવા મળે છે.

- text