ઘરડા ગાડા વાળે ! નિવૃત નહીં પ્રવૃત રહેતા મોરબીના 30 વૃદ્ધોએ 3400 વૃક્ષો વાવ્યા

મચ્છુ-2 ડેમ નજીક પડતર જમીનમાં વૃક્ષારોપણ કરી ઉછેરવા માટે તનતોડ મહેનત

મોરબી : આજના સમયમાં 55થી 60 વર્ષની ઉંમર પછી લોકો ઉંમર થઇ ગઈ છે હવે કામ ન થાય તેમ કહી નાસીપાસ થતા હોય છે ત્યારે મોરબીના 30 જેટલા વડીલોએ ઘરડા ગાડા વાળે ઉક્તિને સાર્થક કરી મચ્છુ-2 ડેમના કાંઠે 17 વીઘા પડતર જમીનમાં અલગ-અલગ 90 પ્રકારના 3400 વૃક્ષનું વાવેતર કરી સવારથી સાંજ સુધી સ્વખર્ચે જતન કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં મોરબીના પ્રજાજનોને આ લીલી નાઘેરથી શુદ્ધ ઓક્સિજન મળતો થશે.

સીરામીક નગરી મોરબીમાં રહેતા નિવૃત સરકારી અધિકારી રામજીભાઈ બાવરવા અને વૃક્ષપ્રેમી આંબાભાઈ કુંડારિયાને વિચાર આવ્યો કે આપણે મોરબીવાસીઓને શુદ્ધ હવા મળી રહે અને લીલોતરી પણ છવાઈ જાય તેવું કાર્ય કરી એ તો… જેથી વિચારને મૂર્તિમંત કરવા બન્ને વડીલોએ મોરબીના મચ્છુ -2 ડેમ નજીક પડતર પડેલી જગ્યામાં ઉપવન બનાવવાનું નક્કી કર્યું અને આ કાર્યમાં સહયોગ કરવા તેમના મિત્રોને જણાવ્યું. ધીમે-ધીમે કરતા 30 જેટલા સિનિયર સિટિજનો કે જેમની ઉંમર 50 વર્ષથી માંડી અને 70 વર્ષ સુધીના છે તેઓ આ ભગીરથ કાર્યમાં જોડાયા છે અને 2 મહિનાના સમયગાળા જ જુદા જુદા 3400 જેટલા વૃક્ષો વાવ્યા છે અને હાલમાં દરરોજ તેઓ ટિફિન લઈને સવારથી સાંજ સુધી વૃક્ષોનું જતન કરે છે

મોરબીને હરિયાળું બનાવવાના સ્વપ્ન દ્રષ્ટા રામજીભાઈ બાવરવાએ જણાવ્યું કે આ જગ્યા ઘણી જ વિશિષ્ઠ છે અહીં ઔષધીય વૃક્ષ, ફળાવ વૃક્ષ, ફૂલના રોપા સહિત 90 પ્રકારના વૃક્ષ વાવમાં આવ્યા છે. છેલ્લા બે માસથી ચાલી રહ્યું છે જેમાં રામજીભાઈ બાવરવાની સાથે આંબાભાઈ કુંડારીયા, માવજીભાઈ દલસાણીયા, અરવિંદભાઈ વામજા સહિતના 30 જેટલા સિનિયર સીટીઝનો અને વિજયભાઈ ભોરણીયા સહિતના મહેનત કરી રહ્યા છે આગામી દોઢ વર્ષમાં આ વૃક્ષો ઘેઘુર બની જશે અને મોરબીના લોકોને હરિયાળા ઉપવનની સાથે અખૂટ ઓક્સિજન પણ મળશે.


ઋષિમુનિઓના નામ સાથે વૃક્ષારોપણ

રામજીભાઈ બાવરવાએ જણાવ્યું હતું કે, આ સ્થળમાં મહર્ષિ ચરક આયુર્વેદિક ઉદ્યાનમાં 450 જેટલા આયુર્વેદિક વૃક્ષો વાવ્યા છે. જ્યારે મહર્ષિ જોગવન માં 160 જેટલા જંગલી વૃક્ષો વાવ્યા છે. રમણ મહર્ષિ પક્ષી ઉદ્યાનમાં પક્ષીઓને ખોરાક મળે તેવા 450 ફળાઉ રોપા વાવ્યા, મહાસતી વૃંદા તુલસીવનમાં 350 જેટલા જુદા જુદા પ્રકારના તુલસીઓ વાવ્યા છે, તેમજ મહર્ષિ આર્યભટ્ટ નક્ષત્ર વનમાં 27 નક્ષત્રના 81 વૃક્ષો, મહર્ષિ જૈમિની રાશીવન માં 9 રાશીના 27 વૃક્ષો, ડો. અબ્દુલ કલામ ગુલાબ વનમાં જુદા જુદા પ્રકરણ 300 રોપા વાવ્યા, મચ્છુ વનમાં 275 પ્રકારના વૃક્ષો, સ્વામી શ્રદ્ધાનંદ પાર્કમાં 380 જેટલા આસોપાલવ સહિતના વૃક્ષો અને કૈલાશ વનમાં 200 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે.