મોરબી એસટી ડેપોમાં નિર્ભીક બની ફરજ નિભાવતી 6 મહિલા કંડકટર 

ગ્રેજ્યુએટ, સિવિલ એન્જિનિયરિંગ કરીને પણ કંડકટર તરીકે નોકરી સ્વીકારી 

સામાજિક, પારિવારિક જવાબદારી વચ્ચે વતનથી દૂર ખાખી પહેરી ફરજ બજાવતા બહેનો 

મોરબી : આજના સમયમાં મહિલાઓ પણ પુરુષ સમોવડી બની છે અને દરેક ક્ષેત્રમાં પડકારજનક નોકરીમાં મહિલાઓની હાજરી જોવા મળે છે ત્યારે ભિન્ન ભિન્ન વિચાર સરણી ધરાવતા લોકો સાથે સીધા જ સંપર્કમાં આવવાની મહિલાઓ માટે પડકારજનક કહી શકાય તેવી કંડકટર તરીકેની ફરજમાં પણ બહેનો પાછી નહીં પડી રહી હોવાના સત્ય વચ્ચે મોરબી એસટી ડેપોમાં કુલ 80 કંડકટર પૈકી 6 મહિલાઓ શાનથી ખાખી વર્ધી પહેરી વતનથી દૂર બહાદુરીપુર્વક ફરજ બજાવી રહી છે.

જિલ્લાના સૌથી મોટા એસટી ડેપોમાં કુલ 80 કંડકટર ફરજ બજાવે છે જેમાં 100થી 200 કિલોમીટર વતનથી દૂર મોરબી જિલ્લામાં નોકરી કરવાનું પસંદ કરનાર બહેનોમાં કોઈએ બીબીએ કર્યું છે તો કોઈએ એમ.કોમનો અભ્યાસ કરીને કંડકટરની નોકરી સ્વીકારી છે, એક મહિલા કંડકટર તો બીઈ સિવિલ કરીને ખાખી વર્ધી પહેરી કંડકટરની નોકરી કરી રહ્યા છે, તમામ બહેનો સામાજિક અને પારિવારિક જવાબદેહી શિર ઉપર લઇ નોકરી કરી રહ્યા છે સાથે ઘરની આર્થિક કરોડરજ્જુ પણ બન્યા છે.


ઘરની અને બહેનોના અભ્યાસની જવાબદારી મારા પર છે – નિધિબેન રાઠોડ 

મોરબી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા નિધિબેન રાઠોડ કહે છે કે હું ભાણવડની વતની છુ અને 2015 માં નોકરી કરું છું, હાલ હું કંડકટરની નોકરીની સાથે સંસ્કૃત વિષયમાં પીએચડીનો અભ્યાસ પણ કરું છું અને મેં ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે પણ એક -બે માર્ક સાથે રહી જાવ છું, સ્ટાફ બધો સપોર્ટીવ છે. પિતા નિવૃત થઇ ગયા છે એટલે ઘરની જવાબદારી અને બે બહેનોના અભ્યાસની જવાબદારી મારા પર છે એટલે હજુ લગ્ન નથી કર્યા.


સ્ટાફનો અને લોકોનો સહયોગ સારો મળે છે : ગાયત્રીબેન દાણીધારિયા  

મોરબી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા ગાયત્રીબેન દાણીધારિયા જણાવે છે કે મેં M.Com નો અભ્યાસ કર્યો છે. પહેલા હું પ્રાઇવેટ શિક્ષક તરીકે નોકરી કરતી હતી મેરેજ પછી હું એસ.ટીમ લાગી અને છેલ્લા પોણા બે વર્ષથી નોકરી કરું છું અને ડેપો મેનેજર અને સ્ટાફ પણ ખુબ જ સપોર્ટ કરે છે અને લોકોનો સહયોગ પણ સારો છે.


કંડકટર તરીકે જોબ મળતા મને સમાજમાં સારું સન્માન મળ્યું છે : દિવ્યાબેન સરવૈયા 

છેલ્લા સાત વર્ષથી એસટી વિભાગમાં ફરજ બજાવતા મોરબીના મહિલા દિવ્યાબેન સરવૈયા જણાવે છે કે મેં B.B.A., M.S.W. નો અભ્યાસ કર્યો છે અને 5 વર્ષ સુધી પીએસઆઇની તૈયારી કરી હતી પણ એસ.ટી.માં જોબ મળતા મારા માટે ગર્વની વાત છે, મેં પાંચ વર્ષ રાજકોટ અને મેરેજ પછી બે વર્ષથી મોરબીમાં કંડકટર તરીકે ફરજ બજાવું છું, આ જોબ થકી મારા પરિવાર અને સમાજમાં મને ખુબ જ સન્માન મળે છે. 1 વર્ષનો દિકરો છે તેની સાર સંભાળ રાખતા રાખતા પણ નોકરી કરવાનો આનંદ આવે છે.


ખાખીની વર્દી હોય એટલે કામ કરવું ગમે અને બહાદુરીથી નોકરી કરીએ છીએ : હેપીબેન પટેલ 

મુળ સિદ્ધપુરના અને છેલ્લા 2.5 વર્ષથી મોરબીમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હેપીબેન પટેલ જણાવે છે કે મારા લગ્ન થઇ ગયા છે પરિવાર સિદ્ધપુર છે અને હું અહીં એકલી રહી ને નોકરી કરું છું. કંડકટરની જોબ અમે બહાદુરીથી કરીએ છીએ અને ખાખીની વર્ધી હોય એટલે ગૌરવભેર નોકરી કરીએ છીએ. મેં બી. સિવિલ કર્યું હોવા છતાં આ જોબ કરવી ગમે છે. આ જોબથી એવું લાગ્યું કે ખરેખર સ્ત્રી પણ પુરુષ સમોવડી થઇ ગઈ છે. સ્ટાફનો સહકાર પણ ખુબ સારો છે.


એસટી વિભાગમાં ફરજ દરમિયાન નવું નવું શીખવા મળે છે : જલકબેન પટેલ 

મૂળ હિંમતનગરના અને હાલ મોરબી એસટી. ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જલકબેન પટેલ કહે છે કે મેં 2017 માં નોકરી શરૂ કરી પહેલા જામનગર નોકરી કરતી હતી હાલ બે વર્ષથી મોરબી જોબ કરું છું. મને કલાર્ક તરીકે નોકરી કરવી ગમે છે અને દરરોજ નવું નવું જાણવા અને શીખવા મળે છે.


અમે મહિલા કંડકટરને અપ ડાઉનમાં જ મૂકીએ છીએ – ડેપો મેનેજર 

મોરબી ડેપો મેનેજર અનિલ પઢીયારએ જણાવ્યું હતું કે મહિલા કન્ડક્ટરોને અપ – ડાઉનમાં જ મૂકીએ છીએ અને તેમને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખીએ છીએ. અને તેમનો કોઈ પ્રશ્ન હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.