મોરબી ઝૂલતાપૂલ કેસમાં વિકટીમ એસોશિએશનની ત્રણ અરજીઓ રદ્દ : 1લી ઓક્ટોબરે ચાર્જફ્રેમ થશે 

- text


વિકટીમ એસોસિએશને 302ની કલમ ઉમેરવા, કંપનીને આરોપી બનાવવા અરજી કરી હતી : અન્ય એક અરજીમાં કંપનીએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યાનો આરોપ મુકાયો હતો 

મોરબી : મોરબીના અતિ ચકચારી ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં ટ્રેજડી વિકટીમ એસોશિએશન દ્વારા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં આરોપીઓ સામે કલમ 302નો ઉમેરો કરવા તેમજ કંપનીને આરોપી બનાવવા અરજી કરવાની સાથે અન્ય એક વકીલ દ્વારા કંપનીએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાની અરજી કરી હતી જે તમામ ત્રણ અરજીઓ ડીસ્ટ્રીકટ કોર્ટે રદ કરી નાખી કેસની સુનાવણી માટે આગામી તા.1-10-2024 મુકરર કરી હોવાનું અને હવે ચાર્જફ્રેમ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ગત તા.30-10-2022ના રોજ ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટના સર્જાતા 135 લોકોના મૃત્યુ નિપજતા ઝૂલતાપૂલનું સંચાલન કરતી ઓરેવા કંપનીના એમડી અને બે મેનેજર સહિતના આરોપીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ચકચારી કેસમાં ટ્રેજડી વિકટીમ એસોશિએશન દ્વારા આરોપીઓ વિરુદ્ધ 302ની કલમ ઉમેરવા, કંપનીને આરોપી બનાવવા અરજી કરી હતી સાથે જ અન્ય એક અરજીમાં કંપનીએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોય પગલાં ભરવા કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી જે તમામ અરજીઓ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટે રદ્દ કરી નાખી હોવાનું સરકારી વકીલ વિજયકુમાર જાનીએ જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, હાલમાં આ ચકચારી કેસમાં આરોપીઓ જામીન મુક્ત બન્યા છે ત્યારે વિક્ટિમ એસોશિએશન સહિતનાઓની અરજીનો નિકાલ નહીં થતા અત્યાર સુધી કેસ ચાલવામાં વિલંબ થતો હતો પરંતુ હવે તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવતા આગામી તા.1-10-2024ની મુદત મુકરર કરવામાં આવી છે જેમાં હવે ચાર્જફ્રેમ કરવાનો તબક્કો હોવાનું સરકારી વકીલ વિજયકુમાર જાનીએ ઉમેર્યું હતું.

- text