મોરબીના લાયન્સ નગરમાં ઉભરાતી ગટરને પાપે ઘેર-ઘેર બીમારીના ખાટલા

- text


સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકામાં મોરચો માંડયો : ત્રણ-ત્રણ વખત રજુઆત છતાં પ્રશ્ન ન ઉકેલાયો

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર વિસીપરા પાછળ આવેલ લાયન્સનગરમાં ઉભરાતી ગટરની સમસ્યા નગરપાલિકાએ ન ઉકેલતા હવે નળના પાણીમાં પણ ગટરના ગંદા પાણી જતા ઘેર-ઘેર બીમારીના ખાટલા પથરાતા રોષે ભરાયેલા લોકોએ પાલિકામાં મોરચો માંડયો હતો. જો કે, પાલિકાના ચીફ ઓફિસર પણ હાજર ન હોય લાયન્સનગરના રહેવાસીઓને ઠાલા આશ્વાસન જ નસીબ થયા હતા.

મોરબી શહેરના વિસીપરા પાછળના ભાગે આવેલ લાયન્સનગરમાં ચોમાસા પહેલાથી જ ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે ત્યારે ચોમાસાના વરસાદી પાણી સાથે હવે ગંદા પાણીનો સંગમ થઇ જતા આખા લાયન્સનગરમાં પારાવાર ગંદકીના પાપે ઘેર-ઘેર બીમારીના ખાટલા પથરાયા છે અને મચ્છરજન્ય મેલરિયા અને ડેન્ગ્યુની બીમારીથી લોકો મુશ્કેલીમાં મુકાતા રોષે ભરાયેલા લોકોએ પાલિકા કચેરીમાં શુક્રવારે મોરચો માંડયો હતો.

બીજી તરફ નગરપાલિકાએ રજુઆત કરવા આવેલા ગંગાબેન નામના મહિલાએ જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ત્રણ-ત્રણ વખત રજુઆત કરવા છતાં પણ ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યા ન ઉકેલાતા હવે ઘરમાં ગંદકી ઉભરાઈ રહી છે અને નળના પાણીમાં પણ ગટરના ગંદાપાણી આવતા હોવાથી ડેન્ગ્યુ અને મેલરીયાની બીમારી વકરી છે. જો કે, લાયન્સનગરના રહેવાસીઓની રજુઆત સમયે પાલિકાના ચીફ ઓફિસર હાજર ન હોય હેડક્લાર્ક દ્વારા બપોર બાદ ટીમ મોકલી સમસ્યા ઉકેલવા લોલીપપ પકડાવતા લોકોનો ગુસ્સો વ\બેવડાયો હતો.

- text

- text