મોરબીના જેપુર ગામે પાંચ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

- text


ક્રાઈમ બ્રાંચે આંતરરાજ્ય ગેંગના એક આરોપીને દબોચ્યો

મોરબી : મોરબી તાલુકાના જેપુર ગામે ગત મે મહિનામાં કૂલ પાંચ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ મોરબી ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના આંતરરાઝ્ય આદિવાસી ગેંગના એક આરોપીને પકડીને રોકડા રૂપિયા દોઢ લાખ કબજે કરી વધુ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જેપુર ગામે ગત તારીખ 20 મેના રોજ કુવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના તથા અલગ અલગ 4 એમ કૂલ પાંચ મકાનમાં કોઈ અજાણ્યા ઈસમોએ મકાનના દરવાજાના તાળા તોડીને સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી. આ અંગે ગુનો નોંધાતા પોલીસે આરોપીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી હતી. જેમાં ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ચોરીને અંજામ આપનાર આરોપીઓ પૈકી રેમસીંગ નામનો એક આરોપી હાલ ટંકારા તાલુકાના ટોળ ગામની સીમમાં આવેલી રીયાસત અબ્દુલભાઈ બાદીની વાડીમાં હોવાની બાતમી મળતા ત્યાં તપાસ કરતાં આરોપી રેમસીંગ સોરેસીંગ સીંગાડ (ઉં.વ. 22, રહે. હાલ ટોળ ગામની સીમ, મૂળ ગામ કાકડવા, તા. કુક્ષી, જિ. ધાર- મધ્યપ્રદેશ) વાળો મળી આવતા તેની ઝડપી તેની કડક પુછપરછ કરાઈ હતી. પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, આ ગુનો તેણે તેના મિત્રો સાથે મળી આચર્યો હતો. આરોપી પાસેથી પોલીસે રોકડા રૂપિયા દોઢ લાખ કબજે કર્યા હતા. સાથે જ આ ગુનાના અન્ય આરોપીઓ ધનીયા બનુ અલાવા, રાકેશ પીરભ અલાવા, દિપક ઉર્ફે દીપા રમેશ સેંગર, ચોરીનો મુદ્દામાલ ખરીદનાર આરોપી ગોરા ઉર્ફે ગૌરવ જૈનને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- text

ગુનાની મોડસ ઓપરેન્ડી

પકડાયેલા આરોપી રેમસીંગ સોરેસીંગ સીંગાડ તથા પકડવાના બાકી આરોપી ધનીયા બનુ અલાવા બન્ને અગાઉ મોરબી જિલ્લામાં ખેત મજૂરી કામ કરતાં હતા. જેથી તેઓ મોરબીની ભૌગોલિક પરિસ્થિતિથી જાણકાર હતા. તેથી તેમણે અન્ય સાગરીતો સાથે મોરબી જિલ્લામાં આવી દિવસના સમયે ગામડામાં રેકી કરીને રાત્રિના સમયે મકાનમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરતાં હતાં. પકડાયેલા આરોપી અગાઉ તેલંગણામાં ઘરફોડ ચોરીના ગુનામાં બેએક વર્ષ સુધી જેલમાં રહી ચુક્યા છે.

- text