મોરબીના બગથળા ગામે જિલ્લા પંચાયત અને તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર અને તાલુકા હેલ્થ કચેરી- મોરબી દ્વારા આજ રોજ 20 સપ્ટેમ્બરે બગથળા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને હાલ સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તે નિમિત્તે મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ દ્વારા આજે બગથળા ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે.

હંસાબેન પારેઘીએ વધુમાં જણાવ્યું હતું કે, રક્તદાન એ મહાદાન છે. લોહી ન મળવાના કારણે ઘણા દર્દીઓ મૃત્યુ પામતા હોય છે. તેથી લોકો રક્તદાન કરશે તો દર્દીઓને નવજીવન મળશે. તેથી રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને હું અભિનંદન પાઠવું છું.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર થી 2જી ઓક્ટોબર સુધી સેવા સેતુના કાર્યક્રમો યોજાવાના છે. આજે બગથળા ગામે રક્તદાન કેમ્પ યોજાયો છે ત્યારે વધુ ને વધુ લોકો રક્તદાન કરીને અન્યની જિંદગી બચાવે તે જરૂરી છે.

આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફતે વધુ ને વધુ ગામડાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાય તેવું આયોજન કરવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, ટંકારા-પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નકલંક ધામ બગથળાના મહંત સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું.

- text

- text