- text
બિલ્ડિંગની મંજુરી અને ફાયર સેફ્ટીના અભાવે વીજ કનેક્શન ન મળતા હોવાનું જણાવતા કલેકટર
મોરબી : રાજકોટ ગેમઝોન દુર્ઘટનાની અસર મોરબીમાં પણ જોવા મળી રહી છે. હાલમાં મોરબીના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક ફ્લેટ ધારકોને પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપવામાં ન આવતા મુશ્કેલીનો સામનો કરી રહેલા ફ્લેટધારકોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરતા કલેકટરે બિલ્ડીંગ પરમિશન ફાયરસેફટીના અભાવે વીજ કનેક્શન આપવામાં ન આવતા હોવાનું જાહેર કર્યું હતું.
મોરબીના ફ્લેટ ધારકોએ રજુઆત કરતા જણાવ્યા હતું કે, તેઓને માલિકીના ફ્લેટમાં વીજ કનેક્શન લેવા માટે પીજીવીસીએલમાં અરજી કરી છે. પરંતુ વીજ કનેક્શનની સુવિધા આપવામાં આવતી નથી. જેના કારણે ફ્લેટના માલિકો હોવા છતાં ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેથી તાત્કાલિક ફ્લેટ ધારકોને વીજ કનેક્શન ફાળવવામાં આવે તેવી પીજીવીસીએલને રજૂઆત કરી હતી.
આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, અનેક કિસ્સામાં બિલ્ડિંગની મંજૂરી ન હોવાની સાથે ફાયર સેફ્ટી પણ ન હોવાથી પીજીવીસીએલ નવા મીટરની મંજૂરી નથી આપતું. જો ભવિષ્યમાં રાજકોટ ગેમઝોન જેવી દુર્ઘટના થાય તો જવાબદાર તંત્ર ઠરશે. તેથી જે બિલ્ડરે ફ્લેટ કે બિલ્ડિંગ બનાવ્યા તે બિલ્ડર પર ફ્લેટ ધારકો ફરિયાદ કરી શકે છે. આમ બિલ્ડિંગની મંજૂરી ન હોવાથી પીજીવીસીએલ દ્વારા મીટર આપવામાં આવતા નથી. આમ તંત્ર અને બિલ્ડરની વચ્ચે ફ્લેટના માલિકો હાલમાં ફસાય ગયા હોવાનું સામે આવ્યું છે.
- text
- text