- text
રફાળેશ્વર અને મકનસર વચ્ચે ડેમુ બંધ થઈ જતા વાંકાનેરથી અન્ય ટ્રેનમાં જવા નીકળેલા મુસાફરો થયા હેરાન
મોરબી : આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્યે ઉપડેલી મોરબી – વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.
બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.
- text
- text