- text
કોંગ્રેસ પ્રવાક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ કાલિન્દ્રી નદીમાં દબાણ અને ગંદકી અંગે આરોપો લગાવ્યા
મોરબી : હાલ સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ ભાજપના નેતાઓ અને તંત્રને પડકાર ફેંકીને હકીકતમાં જો સફાઈ અભિયાન કરવું હોય તો મોરબીની કાલિન્દ્રી નદીને 15 દિવસમાં સ્વચ્છ બનાવો તેમ જણાવ્યું છે.
મોરબીની માળિયા ફાટકથી મહેન્દ્રનગર ચોકડીની વચ્ચેથી પસાર થતી કાલિન્દ્રી નદીની હાલત ખૂબ જ ખરાબ હોવાનું દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું છે. નદીમાં ઠેર ઠેર ગંદકી અને દબાણો થયા છે. તેમણે જણાવ્યું હતું કે, જો આમ ને આમ ચાલશે તો થોડા સમયમાં આ નદીનું અસ્તિત્વ જ નહીં રહે. નદીના પટમાં અને કિનારા પર દબાણો કરવામાં આવ્યા છે અને ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. આ વાત કોઈ અધિકારી કે પદાધિકારીના ધ્યાનમાં આવતી નથી. ભાજપના નેતાઓ સ્વચ્છતા અભિયાનના નામે દેખાડો અને નાટકો કરે છે. જો ખરેખર સ્વચ્છતા અભિયાન કરવા માગતા હોય તો 15 દિવસમાં કાલિન્દ્રી નદીને સાફ કરીને બતાવો. દેશના જળ સંસાધન મંત્રી પણ આપણા ગુજરાતના સી.આર.પાટીલ જ છે તો તેઓ આ નદીને સાફ કરીને બતાવો. નદીમાં ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો પણ ખતરો ઉભો થયો છે. તેથી જો કાલિન્દ્રી નદીને સાફ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
- text
- text