વિસર્જન વિવાદ : આયોજકો અને હિન્દુ સંગઠનોએ પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો

- text


ડીવાયએસપીએ મારી અને મારા અભિનેતા પુત્રની છબી ખરાબ કરવા જ ગુન્હો દાખલ કર્યો : અરવિંદ બારૈયા 

ગણેશ વિસર્જન મામલે અરવિંદ બારૈયા અને વિશ્વાસ ભોરણીયાએ પત્રકાર પરિષદમા પોલીસ અધિકારી વિરુદ્ધ નારાજગી વ્યકત કરી 

મોરબી : મોરબી – કંડલા બાયપાસ ઉપર મચ્છુ -3 ડેમમાં પ્રતિબંધ હોવા છતાં ગણેશ વિસર્જન કરનાર બે આયોજકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગ મામલે ગુન્હો નોંધાતા સિદ્ધિ વિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજકોએ ગુરુવારે પત્રકાર પરિષદ યોજી ડીવાયએસપી વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા સાથે જ અરવિંદ બારૈયાએ તેમનો પુત્ર અભિનેતા હોય તેમને બદનામ કરવા અને અમારી છબી ખરડાવા જ પોલીસે દગો કરી ગુન્હો દાખલ કરી હિન્દૂ સમાજની લાગણીને ઠેસ પહોચાડી હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો.

મોરબીમાં કંડલા બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ -3 ડેમમાં ગણેશ વિસર્જન મામલે મોરબી તાલુકા પોલીસે સિદ્ધિ વિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજક વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરતા જ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ મામલે આયોજકોએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યકત કર્યો હતો. પોલીસ દ્વારા નોંધવામાં આવેલા ગુન્હા અંગે સિદ્ધિ વિનાયક કા રાજાના આયોજક અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે, અમો 15 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ અને 20થી 22 ફૂટની બાપાની પ્રતિમા હોવાથી તંત્રને અમે લોકોએ અગાઉથી જ જાણ કરી કૃત્રિમ કુંડમાં પ્રતિમા વિસર્જિત ન થઈ શકે તેમ હોવાનું જણાવ્યું હતું. સાથે જ પોલીસને મળી સમજાવટથી ક્રેઇન, તરવૈયા સાથે શાંતિ પૂર્વક વિસર્જન કર્યું હોવા છતાં પાછળથી ડીવાયએસપી ઝાલાએ ગુન્હો દાખલ કરાવ્યો છે. જે યોગ્ય નથી.

- text

વધુમાં અરવિંદ બારૈયાએ ઉમેર્યું હતું કે, અમે લોકોએ ત્રણ કલાક સુધી વિસર્જન માટે વિનંતી કરી ડીવાયએસપી ઝાલાને ફોન કર્યો હતો અને તેઓએ ફોનમાં પણ તોછડો જવાબ આપી ત્યાંથી રળતા થઈ જાવ તેવું કહ્યું હતું. વધુમાં અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર અભિનેતા હોય તેને બદનામ કરવા જ ડીવાયએસપી ઝાલાએ અમારા વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવી સમસ્ત હિન્દૂ સમાજની લાગણી દુભાવિ છે. આવનાર દિવસોમા બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દૂ સંગઠનોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

બીજી તરફ પત્રકાર પરિષદમાં હાજર મયુરનગરી કા રાજા ગણેશોત્સવના આયોજક વિશ્વાસ ભોરણીયાએ જણાવ્યું હતું કે પાલિકાએ નક્કી કરેલી જગ્યા પર વિશાળ મૂર્તિ વિર્સજન કરવી શકય નોહતી. અમે શાંતિથી પોલીસની હાજરીમાં મચ્છુ 3 ડેમમાં વિસર્જન કર્યું છે. પરંતુ પોલીસ પાછળથી હિન્દૂ સમાજની લાગણી દુભાય તેવું કૃત્ય પોલીસ અધિકારીએ કર્યું હોય આવનાર દિવસોમા રાજ્યના હિન્દૂ સંગઠનો સાથે મળી આંદોલન છેડવામા આવશે તેવું જણાવ્યું હતું. આ તકે અરવિંદ બારૈયાએ મચ્છુ -3 ડેમમાં નોનવેજના ધંધાર્થી અને ગેરેજના સંચાલકો તેમજ નગરપાલિકાના ગટરના ગંદા પાણી જતા હોય પ્રદુષણ મામલે સવાલો ઉઠાવી પોલીસ તેમની સામે કેમ કોઈ પગલાં નથી લઇ રહી તેવા સવાલો ઉઠાવ્યા હતા.

આ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ બારૈયા પુત્ર અભિનેતા ઓમ બારૈયા, વિશ્વ હિન્દુ પરિષદનાં મોરબી જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્ર સવસાણી તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનોએ વિસર્જન મામલે પોલીસની કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી હતી. અને માત્ર હિન્દુ ધર્મનાં તહેવારોમાં જ કેમ પ્રતિબંધ લગાવી પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે તેવા અણીયારા સવાલો ઉઠાવી પોલીસ સામે ભારે રોષ વ્યકત કર્યો હતો.

- text