- text
લોકહિતર્થે દર સપ્તાહે જિલ્લાકક્ષાના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેશે
મોરબી : મોરબી જિલ્લામાં જરૂરી સેવાઓ અને સવલતોથી કોઈપણ નાગરિક વંચિત ન રહી જાય, વહીવટી તંત્રના જિલ્લાથી લઈ ગ્રામ્યકક્ષા સુધીના અધિકારી/કર્મચારીઓ લોકપ્રશ્નોના નિવારણ તથા લોકહિતાર્થે સંવેદનશીલ બની લોકોની સેવા માટે સાચા અર્થમાં કર્મયોગી બને તે પ્રકારે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત નવીન આયોજનો કરવામાં આવે છે. જેના ભાગરૂપે અગાઉ જિલ્લામાં મહિનામાં એકવાર અધિકારીઓ ગામડાઓની મુલાકાત કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કામગીરી અંગે કરવામાં આવેલા મુલ્યાંકનના તારણ પરથી અધિકારીઓની મુલાકાત બાદ ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની કામગીરીમાં ફરી અનિશ્ચિતતા ધ્યાને આવી હતી. જેથી હવે નવું આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસાર જિલ્લામાં દર અઠવાડિયે વર્ગ-1 અને વર્ગ-2 કક્ષાના ઉચ્ચ અધિકારીઓ જિલ્લાના ગામડાઓની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ તથા ગ્રામ્ય કક્ષાના અધિકારી/કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરશે. જે અંતર્ગત આજે જિલ્લાના 9 ગામની મુલાકાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
મોરબી જિલ્લામાં શહેરથી લઈ ગ્રામ્ય કક્ષા સુધી દરેક નાગરિકને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓ અને જરૂરી યોજનાઓ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. લોકોને આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ તથા પીવાનું પાણી, પશુપાલન, ખેતી, રોડ રસ્તા સહિતની માળખાકીય સવલતો તથા જીવન જરૂરિયાતની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા તથા ગ્રામજનોની સમસ્યાઓ નિવારવા ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓની નિયમિતતા સુનિશ્ચિત થાય તે જરૂરી છે. ઉપરાંત આ કર્મચારીઓ ગ્રામજનો સાથે આત્મીયતા કેળવી તેમને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તેમના પ્રશ્નો નિવારવા કટિબદ્ધતા દાખવે તે માટે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હવે દર અઠવાડિયે કોઈપણ ગામડાની આકસ્મિક મુલાકાત લેશે. આ અધિકારીઓ ગામના લોકો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રશ્નો સાંભળી તે પ્રશ્નોના તાત્કાલિક હકારાત્મક નિરાકરણ માટેની કાર્યવાહી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અધિકારીઓની ગામડાઓની મુલાકાત દરમિયાન આવેલા પ્રશ્નોમાંથી 150 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. અન્ય પ્રશ્નોના પણ યોગ્ય નિકાલ માટેની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
જે અન્વયે આજે તા. 19-9-2024ના રોજ મોરબી જિલ્લાના 9 ગામની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના અધિકારીઓ વાંકાનેર તાલુકાના સમથેરવા, માળિયા તાલુકાના ચાચાવદરડા, મોટા દહીંસરા, લક્ષ્મીવાસ, બોડકી અને મોરબી તાલુકાના હજનાળી, બેલા(આમરણ), જીવાપર(આમરણ) તથા ધુળકોટ એમ 9 ગામની મુલાકાત કરી લોકોની સમસ્યાઓ જાણવાની તથા ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને આપવામાં આવતી સેવાઓની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓઓની નિયમિતતા અને તેમની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવશે.
- text