ટેટ- ટાટ પાસ ઉમેદવારોએ ભરતીમાં જગ્યા વધારવા મુદ્દે ધારાસભ્યને પાઠવ્યું આવેદન 

- text


38730 જેટલા ઉમેદવારો કઠિન પરીક્ષામાં ઉતીર્ણ થયા, માત્ર 7500 જેટલી જ જગ્યાઓ માટે ભરતી જાહેર થતા નારાજગી

મોરબી : મોરબી જિલ્લાના ટેટ- ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આગામી કાયમી શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવાયુ હતું કે રાજ્ય સરકાર દ્વારા 2023માં TAT-1 અને TAT-2માં પાસ થયેલા ઉમેદવારોની 7500 જેટલી જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં NEP-2020 અંતર્ગત TAT પરીક્ષા નવી શિક્ષણનીતિ મુજબ લેવામાં આવેલ છે જે દ્વિસ્તરીય પદ્ધતિમાં કઠીન મહેનત કરી અંદાજે 38730 જેટલા ઉમેદવારો ઉતીર્ણ થયા છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 7500ની ભરતી કરવા જણાવામાં આવ્યું છે. અંદાજે 38730 જેટલા ઉમેદવારો સામે માત્ર 7500ની જાહેરાતથી અન્યાય થાય એમ છે.

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં હાલમાં નિવૃત થતા શિક્ષણ સહાયકો અને ખાલી જગ્યા સહીત 17000 કરતા વધુ જગ્યા ખાલી છે. અને આગામી 31/10/2024 સુધીમાં પણ વધુ શિક્ષણ સહાયકની જગ્યા ખાલી થનાર હોય જેથી રાજ્યના શિક્ષણ પર ગંભીર અસર થનાર છે. જેથી વિભાગને સૂચના આપી 7500 શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવા જણાવશો અને રાજ્યના અંદાજે 38730 જેટલા યુવાનોને ન્યાય આપશો એવી અપેક્ષા છે.

- text

2023માં લેવામાં આવેલ TAT વિસ્તરીય પરીક્ષાની માર્કશીટ આવનાર બીજી TAT પરીક્ષાના પરિણામ સુધી માન્ય રાખવામાં આવેલ છે. જેથી ભરતી ઓછી સંખ્યામાં કરવામાં આવે તો અમોને ખૂબ અન્યાય થાય એમ છે કારણ છે કે ઉમેદવારોની ઉંમર પણ પૂર્ણ થઈ જાય છે અને ઉમેદવારો પર પારિવારિક જવાબદારીઓ પણ હોવાથી વારંવાર તૈયારી પણ કરી શકાય નહીં. જેથી જેમ બને એમ 9 થી 12 (માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક)માં શિક્ષણ સહાયકની વધુમાં વધુ ભરતી કરવામાં આવે તેવી માંગ છે.

- text