આધારના લોચાથી પ્રજા હેરાન, સુધારણા અને નવી નોંધણી ધડાધડ રિજેક્ટ થતી હોવાની રાવ

- text


નિયમ મુજબની અરજીઓ પણ UIDAI મોટા પ્રમાણમાં રિજેક્ટ કરી દેતું હોવાથી ઓપરેટરો પણ દ્વિધામાં, અનેક આધાર સેન્ટરોમાં નામ, જન્મ તારીખ,એડ્રેસ સુધારવા સહિતની કામગીરી બંધ

મોરબી : છેલ્લા મહિનાથી મોરબી જીલ્લા સહિત રાજ્યભરમાં UIDAIના અણધાર્યા નિયમોને કારણે રાજ્યની પ્રજા અને આધાર કેન્દ્રના ઓપરેટરો વચ્ચે ઘર્ષણ ઉભુ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે સ્થાનિક તંત્ર પણ મૂંઝવણ અનુભવી રહ્યું છે.

રાજ્યભરમાં હાલ દશમા તબ્બકાનો રાજ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ શરૂ થયો છે અને સરકાર પ્રજાને સરળતાથી પોતાના ગામમાં જ રેશનકાર્ડ, ઇ-શ્રમ કાર્ડ, આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ જેવી જરૂરી ડોકયુમેન્ટની કામગીરી પોતાના વિસ્તાર, ગામમાં કરી શકે તેવા હેતુથી તાલુકા, શહેર, ગામડાઓમાં સેવાસેતુ કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં ખાસ કરીને નામ સુધારો, નવા આધાર કાર્ડ, જન્મ તારીખ, એડ્રેસ જેવા સુધારો કરવા આધાર સેન્ટર કે સરકારી સેવા સેતુ કાર્યક્રમમાં ધરમના ધક્કા થઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

UIDAIના નવા નિયમોના કારણે આવુ થઈ રહ્યું હોવાનું તારણ સામે આવી રહ્યું છે. આધાર ઓપરેટરોના જણાવ્યા અનુસાર બાળકોના જન્મ પ્રમાણપત્રમા ફુલ નામ ન હોય તો UIDAIના નવા નિયમ પ્રમાણે આધાર કાર્ડની નવી એન્ટ્રી રિજેક્ટ કરવામાં આવતી હતી. હવે નવા નિયમ મુજબ દરેક ગ્રામ પંચાયત કે નગરપાલિકા દ્વારા ફુલ નામ સાથે જન્મ પ્રમાણપત્રો આપવામાં આવતા હોવા છતાં નવા આધાર કાર્ડ રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે, નામ સુધારો, એડ્રેસ, જન્મ તારીખ સુધારા કરવા માટે ફોટો આઇડી, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ જેવા ડોકયુમેન્ટ આપવા છતાં ડોકયુમેન્ટ એરર, અથવા કિલીયર ડેટા જેવી એરર આપીને એન્ટ્રી રિજેક્ટ કરવામાં આવે છે અને આવી વધુ પડતી એન્ટ્રી નાખવાથી આધાર ઓપરેટરોને પેનલ્ટી અથવા એમના આઇડી બ્લોક થઈ જવાની દહેશત ફેલાઈ છે.

- text

આ અંગે સ્થાનિક તંત્રને ઓપરેટરોએ અવગત કર્યું હતું અને સ્થાનિક તંત્ર દ્વારા એક મહિના પહેલા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતાં હાલ અનેક આધાર સેન્ટરોમાં નામ,જન્મ તારીખ, એડ્રેસ સહિતની કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને આવા સેન્ટરોમાં ફક્ત બાયોમેટ્રીક અને મોબાઈલ નંબર એડ કરવાની કામગીરી ચાલુ રાખી હોવાનું સામે આવી રહ્યું છે.

બીજી તરફ આધાર કાર્ડમા ડીએકટીવ, સસ્પેન્ડ આધાર, ક્રોસ લિમિટ જેવા પ્રશ્નનોમા ફરજીયાત UIDAIની હેડ ઓફીસનો સંપર્ક કરીને જ ત્યાંના અધીકારીઓની ગાઇડ લાઇન મુજબ જ એક થી વધુ એન્ટ્રી કરવાની હોય છે, 18 વર્ષથી ઉપરની વ્યક્તિ માટે નવી એન્ટ્રી માટે આખા જીલ્લામાં એક જ કિટ ઉપલબ્ધ છે તેમાં પણ ડોકયુમેન્ટ આપવા છતાં એન્ટ્રી રિજેક્ટ થતી હોવાથી અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

- text