મોરબીમાં ડેન્ગ્યુ અને મેલરીયાનો અજગરી ભરડો

- text


જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને સિવિલના આંકડામાં તફાવત

મોરબી : મોરબીમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય બીમારીની સાથે ઋતુજન્ય રોગચાળો વકર્યો છે પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગ નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, ચોંકાવનારી વાત તો એ છે કે, મોરબી સિવિલના રોગચાળાના આંકડા કરતા પણ જિલ્લા પંચાયતના ચોપડે રોગચાળાના આંકડા ઓછા બોલી રહ્યા છે જે આરોગ્ય વિભાગની રામભરોસે કામગીરીની ચાડી ખાઈ રહ્યા છે.

મોરબી જિલ્લામાં ચોમાસાના સમયગાળા દરમિયાન છેલ્લા અઢી મહિનામાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 52 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. જયારે મેલેરિયાના સાદા 67 અને ઝેરી 6 કેસ નોંધાયા છે અને તાવ – શરદી ઉધરસના ઋતુજન્ય રોગચાળાના દરરોજના 200 જેટલા કેસ સામે આવી રહ્યા હોવાનું સિવિલ સત્તાવાળાઓ જણાવી રહ્યા છે. બીજી તરફ મોરબી જિલ્લા પંચાયતમાં ડેન્ગ્યુના જુલાઈથી માંડી 9 સપ્ટેમ્બર સુધીમાં 38 કેસ જયારે મેલેરિયાના 27 જ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું છે, જેથી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી છે.

મોરબી સિવિલ હોસ્પિટલમાં જુલાઈ માસમાં ડેન્ગ્યુના 101 કેસની તપાસ કરવામાં આવતા 4 કેસ પોઝિટિવ આવ્યા હતા જેની સામે ઓગસ્ટ માસમાં 191 કેસની તપાસ કરવામાં આવતા ડેન્ગ્યુના 21 કેસ પોઝિટિવ આવ્યા હતા આ ઉપરાંત ચાલુ માસમાં 17 સપ્ટેમ્બર સુધીમાં 354 દર્દીઓને તપાસવામાં આવતા 27 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. કુલ મળી મોરબી સિવિલમાં 646 દર્દીઓને તપાસવામાં આવતા 52 દર્દીઓને ડેન્ગ્યુ થયો હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ સમગ્ર મોરબી જિલ્લાના પ્રજાજનોના આરોગ્યની સંભાળ રાખવાની જેની જવાબદારી છે તેવા મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ પાસેથી સત્તાવાર રીતે આંકડા લેવામાં આવતા જુલાઈ માસમાં 111 દર્દીઓને તપાસવામાં આવતા 4 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. એ જ રીતે ઓગસ્ટ માસમાં 282 દર્દીઓને તપાસવામાં આવતા 20 દર્દીઓ અને 9 સપ્ટેમ્બર સુધીમાં 172 દર્દીઓની ચાલુ માસમાં તપાસની કરવામાં આવતા 14 દર્દીઓ પોઝિટિવ જણાતા કુલ 565 દર્દીઓની તપાસ બાદ 38 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ જણાયા હોવાનુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આ, સિવિલ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતના ડેન્ગ્યુના આંકડામાં વિરોધાભાસ સામે આવ્યો છે.

- text

મોરબી જિલ્લામાં મેલરિયા પણ વકર્યો

મોરબી જિલ્લામાં છેલ્લા અઢી માસમાં મેલરિયા પણ વકર્યો હોવાનું સરકારી આંકડા ઉપરથી જણાઈ રહ્યું છે, જુલાઈ માસમાં 19, ઓગસ્ટમાં 29 અને 16 સપ્ટેમ્બર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 19 સાદા મેલરિયાના કેસ મળી 67 કેસ સામે આવ્યા હતા અને અઢી મહિનાના આ સમયગાળામાં ઝેરી મેલરિયા છ કેસ સામે આવ્યા હતા. બીજી તરફ જિલ્લા પંચાયતના આંકડા મુજબ જુલાઈમાં 7, ઓગસ્ટમાં 14 અને 9 સપ્ટેમ્બર સુધીમાં 6 મળી 27 મેલરિયા કેસ નોંધાયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.


- text