ખોખરા હનુમાન ધામમાં ગુરૂવારથી શ્રીમદ્દ ભાગવત કથા 

- text


પૂ. કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે ભવ્ય આયોજન : તા.20,22 અને 24 ત્રણ દિવસ નામાંકિત કલાકારોનો સંતવાણી-ભજનનો કાર્યક્રમ : જગદગુરૂ શંકરાચાર્ય પણ આશીર્વચન આપવા પધારશે

મોરબી : મોરબીના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થાન એવા ખોખરા હનુમાનધામમાં સદગુરુ પૂ. કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે તા.19થી 25 સપ્ટેમ્બર સુધી શ્રીમદ્દ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસાસને પૂ.સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારાચાર્યજી મહારાજ બિરાજી ભાગવત કથાનું યશોગાન કરશે.

આ કથા કનકેશ્વરીદેવી ગુરૂ કેશવાનંદબાપુ, મહંત કલ્યાણનંદજી ગુરૂ પૂ.કેશવાનંદબાપુ, મહંત સત્યાનંદ મહારાજ, જોગેશ્વરી દેવી, મહંત જયદેવાનંદજી મહારાજ, મંગલેશ્વરી દેવીના સાનિધ્યમાં યોજાનાર છે. જેમાં તા.19 સપ્ટેમ્બરને સવારે 9 કલાકે પોથીયાત્રા સાથે કથા પ્રારંભ, 9:30 કલાકે દીપ પ્રાગટય થશે. ત્યારબાદ તા.25 સુધી દરરોજ સવારે 9થી 1 કથા ચાલશે. કથાનો મુખ્ય વિષય ભગવાન શ્રીકૃષ્ણની દ્રારકા લીલા રહેશે.

સંતવાણી ભજન કાર્યક્રમમાં તા.20ના રોજ રાત્રે 10 કલાકે ભગવતી ગોસ્વામી, પિયુષ મિસ્ત્રી, તા. 22ના રોજ રાત્રે 10 કલાકે માયાભાઈ આહીર, સાધ્વી જયશ્રીદાસ, દમયંતિબેન બરડાઈ, તા.24ના રોજ રાત્રે 10 વાગ્યે પદ્મશ્રી ભીખુદાન ગઢવી, પ્રવીણભાઈ સુરદાસ, લલિતાબેન ઘોડાધ્રા ધૂન-ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે. સંતવાણીનું સંચાલન મોરારદાન ગઢવી કરશે.

આ કથામાં દ્વારકા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય પૂ.સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ આશીર્વચન પાઠવવા પધારશે. દીપ પ્રાગટય પંચ અગ્નિ અખાડા પીઠાધીશ્વર આચાર્ય પૂ. રામકૃષ્ણનંદજી મહારાજ (અમરકંટક)ના હસ્તે થશે. મહોત્સવમાં અધ્યક્ષ સ્થાને પંચ અગ્નિ અખાડાના સભાપતિ મહંત મુક્તાનંદબાપુ રહેશે. આ ઉપરાંત અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહેશે.

- text

- text