લૌટ કે તુજકો આના હૈ… મોરબીમાં દુંદાળાદેવને ભાવભેર અપાઈ વિદાય

- text


શોભેશ્વર રોડ ઉપરના પીકનીક પોઇન્ટ ખાતે કૃત્રિમ કુંડમાં તંત્ર દ્વારા સાંજ સુધીમાં 300 જેટલી મૂર્તિઓનું વિસર્જન, મોડી રાત સુધીમાં હજુ બીજી 200 મૂર્તિઓ આવશે

શહેરના રાજમાર્ગો ઉપર ઠેર-ઠેર ગણેશ ભગવાનની શોભાયાત્રાઓ નીકળી, ગણપતિના જય જય કારથી આભ ગુંજી ઉઠ્યું

મોરબી : 11 દિવસ ભગવાન ગણપતિજીની ભાવભેર આરાધના કર્યા બાદ સમગ્ર મોરબીમાં આજે તેઓને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો ઉપર ઠેર-ઠેર ગણેશ ભગવાનની શોભાયાત્રાઓ નીકળી હતી. જેમાં ગણપતિના જય જય કારથી આભ ગુંજી ઉઠ્યું હતું.

મોરબી નગરપાલિકા દ્વારા શહેરના ચાર સ્થળોએ જેમકે એલઇ ગ્રાઉન્ડ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, સ્કાય મોલ પાસે, ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કલેક્શન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. અહીં 8 ફૂટથી નીચેની મૂર્તિઓ લેવામાં આવી રહી છે. આ સાથે 8 ફૂટથી ઉંચી મૂર્તિઓ સીધી શોભેશ્વર રોડ ઉપર પીકનીક પોઇન્ટ ખાતે જ સ્વીકારવામાં આવી રહી છે.

અહીં તંત્ર દ્વારા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે. ભાવિકો અહીં ટેબલ ઉપર ભગવાન ગણેશજીની મૂર્તિઓ રાખી પૂજન વિધિ કરે છે. બાદમાં તંત્ર દ્વારા તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. બીજા ચાર કલેક્શન સેન્ટર ખાતેથી પણ નાની મૂર્તિઓને અહીં વિસર્જન માટે લાવવામાં આવી રહી છે. વિસર્જન સ્થળે 2 પીઆઇ અને 2 પીએસઆઈ ઉપરાંત પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નગરપાલિકાના 40 જેટલા લોકોની ટિમ પણ રાખવામાં આવી છે. સાથે 2 જેસીબી પણ મુકવામાં આવ્યા છે.

- text

સાંજ સુધીમાં તંત્ર દ્વારા 300થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. હજુ મોડી રાત સુધી આ કામગીરી ચાલવાની છે. અંદાજ મુજબ કુલ 500 જેટલી મૂર્તિઓનું મોડી રાત સુધીમાં વિસર્જન કરવામાં આવશે.

- text