ચાલુ માસના અંત સુધીમાં મિલકતવેરો ભરનારને 10 ટકા રીબેટનો લાભ

- text


મોરબીમાં પાલિકા દ્વારા પાંચ માસમાં 5.84 કરોડની વેરા વસુલાત

નિયમિત કરદાતાઓને પાલિકાએ 14.77 લાખનું રિબેટ આપ્યું : હજુ 64.28 કરોડની વસુલાત બાકી

મોરબી : મોરબીમાં વસવાટ કરતા નાગરિકો નિયમિત વેરો ન ભરતા હોવાથી શહેરના 88768 મિલ્કત ધારકો ઉપર પાલિકાનો 64.28 કરોડનો વેરો ચડત થઇ ગયો છે, જો કે, મોરબી શહેરના અનેક નાગરિકો નિયમિત વેરો ભરતા હોય પાલિકા દ્વારા રિબેટ યોજનાનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષમાં પાંચ મહિનામાં મોરબી નગર પાલિકાને ગત વર્ષ અને ચાલુ વર્ષની મળી 5.84 કરોડની વેરા વસુલાત થઇ છે.

મોરબી શહેરમાં નગરપાલિકાના ચોપડે 65374 રહેણાંક અને 23394 બિન રહેણાંક મિલ્કતો નોંધાયેલી છે જે મિલ્કત ધારકો પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 64.28 કરોડની વેરા વસુલાત બાકી હોય પાલિકાનું માંગણું બોલી રહ્યું છે. નોંધનીય છે કે, મોરબીમાં પાલિકા દ્વારા સપ્ટેમ્બર મહિના સુધી વેરો ભરે તેવા નિયમિત કરદાતાઓને 10 ટકા રિબેટ આપવામાં આવે છે. જેમાં પલિકામાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષમાં 3.03 કરોડની આવક થઇ છે. અને પાછળ વર્ષની 2.81 કરોડની મળી અત્યાર સુધીમાં મોરબી પાલિકાને 5.84 કરોડની વસુલાત થઇ છે. જેની સામે 10 ટકા રિબેટ યોજના અન્વયે 14.77 લાખની રિબેટ પાલિકા દ્વારા લોકોને આપવામાં આવી છે.

- text

વધુમાં મોરબી શહેરમાં નોંધાયેલા કુલ 88768 માંથી એપ્રિલથી અત્યાર સુધીમાં 12090 આસામીઓ પોતાનો વેરો ભરી ગયા છે અને હજુ પણ 76,678 રહેણાંક અને બીન રહેણાંક મિલ્કત ધારકોએ વેરો ભરવા તસ્દી લીધી નથી ત્યારે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ લોકોને સપ્ટેમ્બર અંત સુધીમાં પોતાનો વેરો ભરી જઈ 10 ટકા રિબેટ યોજનાનો લાભ લેવા અપીલ કરવા આવી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબી નગર પાલિકાને વેરા વસુલતાનું મુખ્ય આવક હોવા છતાં લોકો નિયમિત કરવેરા ભરતા ન હોવાથી પાલિકાની આર્થિક સ્થિતિને પણ ફટકો પડી રહ્યો છે ત્યારે નિયમ મુજબ વેરો નહીં ભરનાર આસામીઓ સામે ગત વર્ષે પાલિકા દ્વારા મિલ્કત જપ્તીના પગલાં ભરવાની શરૂઆત કરી હતી અને આ વર્ષ પણ પાલિકા દ્વારા નાણાકીય વર્ષના અંત સમયમાં વેરા વસુલાત ઝુંબેશને વેગવાન બનાવવા કડક પગલાં ભરવામાં આવે તેવા સંકેતો આપવામાં આવ્યા હતા.

- text