મોરબીમાં જીવલેણ હુમલા કેસમાં મરચાની ભૂકી છાંટનાર આરોપીને 5 વર્ષની કેદ

- text


મુખ્ય આરોપી ફરાર થઇ જતા અદાલતે તાત્કાલિક આરોપીને પકડવા ફરમાન કરી ચુકાદો અનામત રાખ્યો

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં વર્ષ 2015માં જ્ઞાતિ વિશે ઘસાતું બોલનાર શખ્સને ફડાકો ઝીકી દેનાર ફરિયાદી ઉપર એક શખ્સે મરચાની ભૂકી છાંટી બીજા શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરવાના કેસમાં અત્યાર સુધી પોલીસ ગિરફ્તમાં નહીં આવેલ આરોપી વિરુદ્ધ અદાલતે એકતરફી કાર્યવાહી કરવાની સાથે મરચાની ભૂકી ઉડાવનાર આરોપીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી ફરાર આરોપીને તાકીદે ઝડપી લેવા અદાલતે આદેશ કર્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2015માં ફરિયાદી ચંદ્રસિંહ મેઘરાજસિંહ જાડેજાએ પોતાની જ્ઞાતિ વિશે ઘસાતું બોલનાર આરોપી જીગ્નેશ પરસોતમભાઇ ચાઉં રહે.રામકૃષ્ણનગર મોરબી વાળાને થપ્પડ મારતા આ બાબતનો ખાર રાખી ગત તા.12-01-2015ના રોજ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ નજીક આરોપી જીગ્નેશ પરસોતમભાઇ ચાઉં અને આરોપી પ્રિન્સ અરવિંદભાઈ વ્યાસ રહે,મોરબી વાળાએ એકસંપ કરી ચંદ્રસિંહ મેઘરાજસિંહ જાડેજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં આરોપી પ્રિન્સ અરવિંદભાઈ વ્યાસે મરચાની ભૂકી છાંટી હતી અને આરોપી જીગ્નેશ પરસોતમભાઇ ચાઉએ છરીના ઘા ઝીકી દીધા હતા.

- text

આ કેસ મોરબીના પ્રિન્સિપાલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે 15 મૌખિક અને 21 દસ્તાવેજી પુરાવા ઉપરાંત સરકારી વકીલ વિજયકુમાર જાનીની દલીલોને ધ્યાને લઇ આરોપી પ્રિન્સ અરવિંદભાઈ વ્યાસને મરચાની ભૂકી છાંટવાના કેસમાં તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. જો કે, આરોપી જીગ્નેશ પરસોતમભાઇ ચાઉ પકડાયો ન હોવાથી અદાલતે એક તરફી કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસને તાત્કાલિક પકડી પાડવા આદેશ કરવાની સાથે હાલમાં જામીન મુક્ત રહેલા આરોપી પ્રિન્સને જામીન તેમજ મુચરકા રદ્દ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો.

- text