માત્ર 30 રૂપિયામાં ભોજન અને 10 રૂપિયામાં નાસ્તો
દરરોજ 50 નિરાધાર વૃદ્ધોને ઘરે પહોંચાડે છે ફ્રી ટિફિન
મોરબી : હાલના મોંધવારીના સમયમાં નાસ્તો કરવા જઈએ તો પણ 50 થી 100 રૂપિયા થઇ જાય છે ત્યારે મોરબીના એક નિવૃત બેન્ક કર્મચારીએ ગરીબો અને નિરાધાર વૃદ્ધો માટે રાહતનું રસોડું નામનો અનોખો સેવા યજ્ઞ શરુ કર્યો છે. જેમાં સવારે માત્ર 10 રૂપિયામાં ચા – નાસ્તો અને બપોરે અને સાંજે 30 રૂપિયામાં જ ભરપેટ ભોજન જમાડે છે.
મોરબીના 63 વર્ષના એસબીઆઈ બેંકના નિવૃત કર્મચારી ધીરુભાઈ ડાયાભાઇ આહીર જણાવે છે કે હું અવાર નવાર યદુનંદન ગૌશાળામાં જતો ત્યાં નિરાધાર ગાયો અને લોકો માટે કાનાભાઇની અનન્ય સેવા જોઈને મને પણ થયું કે મારે પણ સમાજ માટે કંઈક કરવું છે. જેથી 2019માં નિવૃત થયો ત્યારે વિચાર આવ્યો કે જેની આગળ પાછળ કોઈ ન હોય તે નિરાધાર વૃદ્ધો કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા હશે ? આ વિચારીને એ લોકોને ઘરે બેઠા બે ટાઈમનું ભોજન મળી જાય એ માટે મેં અને મારા મિત્ર અલ્કેશભાઈ નાવોદીયાએ સાથે મળી નિઃશુલ્ક ટિફિન સેવા શરુ કરી અને દરરોજ 50 જેટલા નિરાધાર વૃદ્ધોને ફ્રિ ટિફિન પહોંચાડીએ છીએ. આ સેવાયજ્ઞ 5 વર્ષથી ચલાવી છીએ.
વધુમાં છેલ્લા એક વર્ષથી મોરબીના પોશ વિસ્તાર એસબીઆઈ બેન્કની સામે સાંઈબાબા કોમ્પ્લેક્ષમાં નિરાધાર વૃદ્ધો માટે રાહતનું રસોડું શરુ કર્યું છે જેમાં ગરીબ લોકો માંડ દરરોજ 150 રૂપિયા કમાતા હોય તેના માટે સવારે 10 રૂપિયામાં ચા – નાસ્તો અને બપોરે માત્ર 30 રૂપિયામાં ચાર રોટલી, શાક, દાળ – ભાત, ગુંદી ગાંઠિયા અને છાસ આપીએ છીએ તેમજ સાંજે 30 રૂપિયામાં કઢી – ખીચડી, શાક, રોટલી આપીએ છીએ. જેથી આ મોંઘવારીના માર વચ્ચે પોતે સ્વમાનભેર જીવી શકે. આ સેવાનો દરરોજ 150 જેટલા લોકો લાભ લ્યે છે અને 50 નિરાધારોને ઘરે ફ્રી ટિફિન પહોંચાડીએ છીએ.
મારો શ્વાસ ચાલશે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખીશ
ધીરુભાઈ આહીર જણાવે છે કે હું નિવૃત થયો ત્યારથી કોઈ જગ્યાએ ટાઈમ કાઢવાની જગ્યાએ આ સેવા શરુ કરી, જેના માટે દર મહિને દોઢ લાખ જેટલો ખર્ચો થાય છે. જે હું મારી પેન્શનની આવક અને ભાડે આપેલ મિલ્કતની આવકમાંથી આ ખર્ચો કાઢું છે. આ સેવા માટે મારો મિત્ર અલ્કેશભાઈ અને મારો પરિવાર પણ મને મદદ કરે છે. આ સેવા કરવામાં મને ખુબ જ આનંદ આવે છે. આ સેવા જ્યાં સુધી મારો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી કરીશ. અને લોકો જન્મ દિવસ કે પુણ્યતિથિએ અહીં સહયોગ કરે છે. જે સહયોગ કરે છે તેની મીઠાઈ વધારી દેવામાં આવે છે.
આ રસોડું અમારા માટે આશીર્વાદ સમાન
આ અંગે ફ્રી ટિફિનના લાભાર્થી નિરાધાર વૃદ્ધ અશોકભાઈ પરમાર જણાવે છે કે એકલવાયું જીવન જીવતા વૃદ્ધો માટે આ ટિફિન સેવા આશીર્વાદ સમાન છે અને હાલના સમયમાં 30 રૂપિયામાં ચા કે માવો પણ નથી આવતો ત્યારે 30 રૂપિયામાં ભરપેટ ભોજન કરાવે છે જે ખરેખર સરાહનીય છે હું ઘણા સમયથી આ સેવાનો લાભ લઉં છું.
લોકોનું સન્માન જાળવવા જ ટોકનરૂપી 30 લઈએ છીએ
ધીરુભાઈ કહે છે કે, લોકોનું સ્વમાન જળવાય તે માટે માત્ર 30 રૂપિયા રાખ્યા છે. કારણે કે ફ્રી રાખીએ તો ઘણા ગરીબ અને માધ્યમ વર્ગના પરિવારના લોકો જમવામાં સંકોચ અનુભવે છે. કારણ કે આટલી ઓછી રકમ રાખવાથી લોકોનું પેટ પણ ભરાય જાય અને તેનું સ્વમાન પણ જળવાઈ રહે તે માટે આટલા ઓછા રૂપિયામાં અમે જમાડીએ છીએ અને દરરોજ એવા પણ લોકો આવે છે કે જે 30 રૂપિયા પણ ન આપી શકે તો પણ અમે તેને પ્રેમથી નિઃશુલ્ક જમાડીએ છીએ.