મોરબી : રોડમાં પેવર બ્લોક ઉપર પેવર બ્લોક નાખતા દુકાનોમાં પાણી ભરાવાનો ભય

- text


ગાંધીચોક પાસે શનાળા રોડની શરૂઆતમાં ચોમાસે પડતા ગાબડાનું નીરણકરણ કરવાને બદલે તંત્રનું અક્કલનું પ્રદર્શન 

મોરબી : મોરબી શહેરના હાર્દસમા શનાળા રોડ ઉપર દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાની સાથે ગાંધી ચોક આસપાસ મસમોટા ગાબડાં પડી જતા હોવાથી તંત્ર દ્વારા ગત વર્ષે અહીં પેવર બ્લોક નાખી ખાડા બુરવા પ્રયાસ કર્યા બાદ આ વર્ષે પણ ફરી એની એ જ સ્થિતિ નિર્માણ થતા તંત્ર દ્વારા બ્લોક કાઢીને રસ્તો રીપેર કરવાને બદલે બ્લોક ઉપર બ્લોક ફિટ કરતા આ અક્કલના પ્રદર્શન સમાન ઇજનેરી કૌશલ્યથી પ્રજા આશ્ચર્યચકિત બની છે. જ્યારે તંત્રની આ કામગીરીના કારણે રોડ ઉચ્ચો થઈ જતાં દુકાનોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાવાની ભીતિ વેપારીઓએ દર્શાવી તાત્કાલિક આ કામગીરી બંધ રાખવાની માંગણી કરી છે.

મોરબી શહેરમાં નગરપાલિકાના અસ્તિત્વ વચ્ચે પણ શહેરનો મુખ્ય રોડ નગર પાલિકાના બદલે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના હવાલે હોવાથી આ મુખ્ય માર્ગ ઉપર ગાંધી ચોક, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારમાં રોડ રસ્તા રીપેરીંગ પ્રત્યે સંબંધિત તંત્ર ધ્યાન આપતું ન હોવાથી લોકોને ફરજિયાતપણે ખાડા ખબડાવાળા માર્ગ ઉપર ચાલવા મજબુર થવું પડે છે. ખાસ કરીને ગાંધીચોક અને નગરપાલિકાના પ્રવેશદ્વાર સામે સિવિલ ચોકમાં શનાળા રોડની શરૂઆતમાં તો મસમોટા ગાબડાં પડી જતા હોવાથી વાહનચાલકોને અહીંથી પસાર થવામાં પણ જોખમ રહેતું હોવાનું લોકો જણાવી રહ્યા છે.

દરમિયાન વરસાદી વિરામ વચ્ચે માર્ગ અને મકાન વિભાગ મોરબી સ્ટેટ દ્વારા હાલમાં શનાળા રોડને જોડતા આ માર્ગ ઉપર ગાંધી ચોકમાં રોડનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે જેમાં રોડને ખોદીને લેવલ કરી રીપેરીંગ કરવાને બદલે બ્લોક ઉપર બ્લોક ફિટ કરવામાં આવી રહ્યા હોય આ મામલે વેપારીઓએ રોષ વ્યકત કરી આ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. કારણ કે પેવર બ્લોક ઉપર બીજા પેવર બ્લોક નાખવાના કારણે આ રસ્તો ઉંચો થઇ જતાં રોડ ઉપરની દુકાનોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાવાની ભીતિ છે. વેપારીઓએ તંત્રની આવી બેદરકારીભરી કામગીરીનો વિરોધ કરી તાકીદે આ કામગીરી અટકાવી રોડ ખોદીને બનાવવાની માંગણી કરી છે.

જ્યારે આ મામલે માર્ગ અને મકાન વિભાગના ઈજનેર હિતેશ આદ્રોજાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, લોકોને અને વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે બ્લોક ઉપર બ્લોક નાખવાની કામગીરી હંગામી ધોરણે જ કરવામાં આવી રહી છે, ચોમાસા બાદ આ રસ્તાને રીપેર કરવામાં આવશે.

- text

- text