- text
અમુક શખ્સો પાણી ચોરી કરી સિરામિક ઉદ્યોગને પાણી વેચી દેતા હોવાનો આરોપ
મોરબી : મોરબી-જેતપર રોડ પર આવેલી પાવડીયારી પાસેની નર્મદાની કેનાલમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર પાણી ચોરી થતી હોય આ અંગે વર્ષ 2021થી ખેડૂત દ્વારા સતત ફરિયાદો અને અરજીઓ કરતાં આવે છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ખેડૂતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરિયાદ કરી છે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
રજૂઆત કરનાર ખેડૂત ગોરધનભાઈ સુરેશભાઈ કૈલા તંત્રને કરેલી ફરિયાદ મુજબ મોરબી-જેતપર રોડ પર આવેલી પાવડીયારી પાસેની નર્મદાની કેનાલમાં ગેરકાયદેસર પાણી ચોરી થઈ રહી છે. જેના કારણે રંગપરથી વિરાટનગર રોડ પરના ખેતરો, પાવડીયારીથી હરિપર કેરાળા તરફ આવતા ખેતરો, ગાળા ગામની સીમમાં આવતા ખેતરો અને માળિયા હાઈવે પર જમણી-ડાબી બાજુ આવતા ખેતરોને સિંચાઈનું પાણી મળતું નથી. ખેડૂતેએ જણાવ્યું છે કે, રંગપર થી વિરાટનગર રોડ તરફ માથાભારે શખ્સોએ કોઈ પણના ખેતરોમાં મોટા મોટા ગેરકાયદેસર પાણીના હોજ બનાવેલા છે. માથાભારે શખ્સો બળજબરી પૂર્વક મોટા મોટા હોજ બનાવી નર્મદાનું પાણી ખેંચી લે છે અને સિરામિક ઉદ્યોગને પાઈપલાઈન મારફતે અથવા ટેન્કરો મારફતે પાણી વેચીની રૂપિયા કમાય છે. જેથી ખેતર સુધી પાણી પહોંચતું નથી. ખેડૂતોને આ માથાભારે શખ્સોએ ધાકધમકી આપીને બંધક બનાવી દેતા હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે.
- text
આ માથાભારે શખ્સો સામે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ અંગે મોરબી સેવા સદનમાં આવેલી કાર્યપાલક ઈજનેરની કચેરીમાં રજૂઆતો અને અરજીઓ કરી છે પરંતુ તંત્ર દ્વારા આ શખ્સો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સાથે જ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે આ માથાભારે શખ્સો તંત્રને હપતો પણ પહોંચાડે છે. આ શખ્સો ફરિયાદ કરનારને માર મારવાની ધમકીઓ પણ આપે છે. તેથી પાણી ચોરી કરનાર આ શખ્સો સામે તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે અને ખેડૂતોને સિંચાઈ માટે ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત કરી છે.
- text