આનંદો: દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનના રૂટમાં હળવદને સ્ટોપેજ મળ્યું

- text


16 સપ્ટેમ્બરે ટ્રેનને આવકારવા કાર્યક્રમનું આયોજન 

હળવદ : હળવદ તાલુકાની જનતા માટે છાતી ગજ ગજ ફૂલાઈ જાય એવા ગર્વ અને આનંદના સમાચાર છે, આગામી 16 તારીખ ને સોમવારના રોજ સાંજે 6 કલાકે દેશની સૌપ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન એવી ભુજ – અમદાવાદ વંદે ભારત મેટ્રો ટ્રેન જેનો સ્ટોપેજ હળવદ રેલવે સ્ટેશન ખાતે થશે. ત્યારે આ વંદે મેટ્રો ટ્રેનને હળવદની આ કંકુવરણી ઐતિહાસિક ભૂમિ પર આવકારવા માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાઈવ સંબોધન કરશે અને સ્થાનિક સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહી અને ટ્રેનને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવશે.

- text

આ ટ્રેનમાં પ્રથમ દિવસે મુસાફરી કરવી તદ્દન નિઃશુલ્ક રહેશે. જેથી આ ટ્રેન અંદરથી કેવી છે તે પણ રૂબરૂ નિહાળી શકાશે. ત્યારે હળવદ તાલુકાની જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા હળવદ રેલવે સ્ટેશન પરિવાર અને અમદાવાદ રેલ્વે ડિવિઝન તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે. આ મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે. તો આ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ મેટ્રો ટ્રેનનો લાભ લેવા પણ હળવદ તથા મોરબી જિલ્લાની જાહેર જનતાને આહવાન કરવામાં આવ્યું છે.

- text