મોરબી જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને 53.44 કરોડનું નુકશાન થયાનો પ્રાથમિક અંદાજ

- text


અત્યાર સુધીમાં પાંચેય તાલુકાના 346 ગામોના 29347 ખેડૂતોને 33 ટકાથી વધુ નુકશાન પહોંચ્યાનું સર્વેમાં તારણ

મોરબી : ઓગસ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર સમયે જ સતત ચારથી પાંચ દિવસ સુધી સાંબેલાધારે વરસેલા વરસાદ તેમજ ત્યાર બાદ મચ્છુ-2 ડેમમાંથી છોડવામાં આવેલ વિક્રમી જળજથ્થાને કારણે મોરબી જિલ્લામાં ખેડૂતોને અતિવૃષ્ટિમાં વ્યાપક નુકશાન થયું છે છે, ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના પાંચેય તાલુકાના 346 ગામોમાં 29 ટિમ મારફતે કરવામાં આવી રહેલા પાક નુકશાની સર્વેમાં અત્યાર સુધીમાં 29347 ખેડૂતોને 33 ટકાથી વધુ નુકશાન પહોંચ્યાનું અને અંદાજે રૂપિયા 5344 લાખોનું નુકશાન થયાનું તેમજ 84 ગામોમાં સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અંદાજમાં જણાવવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 2024ની ખરીફ સીઝનમાં ઓગસ્ટ માસમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકશાન અંગે જિલ્લાના તમામ 346 ગામોમાં 29 સર્વે ટિમો મારફતે કરવામાં આવેલ સર્વેમાં પ્રાથમિક અંદાજમાં જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં મોરબી, માળીયા મિયાણા, વાંકાનેર,હળવદ અને ટંકારા તાલુકામાં ખરીફ સીઝનમાં કુલ 3,14,123 હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં ઓગસ્ટ માસમાં થયેલા ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના તમામ 3,14,123 હેકટર જમીનમાં થયેલ વાવેતરમાં નુકશાન પહોંચ્યાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં કુલ મળી 346 ગામોમાં હાલમાં 29 ટીમો દ્વારા જે પાક નુકશાની સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં કુલ અસરગ્રસ્ત વિસ્તાર પૈકી અત્યાર સુધીમાં 58,414 હેકટર જમીનમાં જ સર્વે કરવામાં આવતા 33,616 હેકટર જમીનમાં 33 ટકાથી વધુ નુકશાન થતા ખેડૂતોને 5344 લાખ રૂપિયાની પાક નુકશાની ગઈ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જો કે, ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિની સ્થિતિ જોતા તમામ ગામોને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આવનાર દિવસોમાં ખેડૂતોને નુકશાની અંગેના ફાઇનલ રિપોર્ટ બાદ સરકારના ધારાધોરણો મુજબ ખેડૂતોને નુકશાની સહાયની રકમ ચૂકવવા સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે.જો કે, હાલના તબક્કે મોરબી જિલ્લાના કુલ 84 ગામોમાં સર્વે પૂર્ણ થયો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.


સૌથી વધુ મોરબી અને સૌથી ઓછું નુકશાન હળવદ તાલુકામાં

મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં પડેલા ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના તમામ ગામોમાં વધતા ઓછા પ્રમાણમાં ખેતીવાડીને નુકશાન પહોંચ્યું છે ત્યારે સૌથી વધુ નુકશાન મોરબી તાલુકાના 92 ગામોમાં થયું છે, ખેતીવાડી વિભાગના પ્રાથમિક સર્વેમાં જ મોરબી તાલુકાના 9067 ખેડૂતોને 2021 લાખનું નુકશાન થયું છે. જયારે હળવદ તાલુકામાં 67 અસરગ્રસ્ત ગામોના 1243 ખેડૂતોને 147 લાખ રૂપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનું પ્રાથમિક સર્વે રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.

- text


મોરબી જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલા હેકટર, કેટલા ખેડૂતોને કેટલું નુકશાન ?

તાલુકો વાવેતર નુકસાન (હે.) સર્વે થયેલ વિસ્તાર (હે.) 33 % થી વધુ નુકસાન નુકસાન લાખમાં ગામોની ખેડૂતોની સંખ્યા સર્વે ટીમની સંખ્યા

મોરબી 89140 89140 15580 12631 2021 92 9067 6
માળીયા 48872 48872 12067 9376 1510 44 6965 5
ટંકારા 40750 40750 4457 3460 578 42 2795 5
વાંકાનેર 57629 57629 12642 7142 1091 101 9277 7
હળવદ 77732 77732 13693 1007 147 67 1243 6
કુલ 314123 314123 58414 33616 5344 346 29347 29


- text