250 કારખાના બંધ : સિરામિક ઉદ્યોગમાં હજુ પણ મંદી

ડૉમેસ્ટિકમાં લેવાલી નથી અને એક્સપોર્ટમાં કન્ટેનર નથી : સૌથી વધુ વોલ અને ફ્લોર ટાઇલ્સ એકમોને ફટકો

મોરબી : ચોમાસાને પગલે ડોમેસ્ટિક માર્કેટમાં સીરામીક પ્રોડક્ટ્સની ડિમાન્ડ તળિયે બેસી જવાની સાથે કન્ટેનર ભાડામાં ત્રણથી ચાર ગણા ભાડા વધારાને કારણે મોરબીના સીરામીક ઉદ્યોગને જોરદાર ફટકો પડ્યો છે ત્યારે જન્માષ્ટમી તહેવાર સમયે જ અનેક સીરામીક એકમોએ સ્વૈચ્છીક શટડાઉન કર્યા બાદ હજુ પણ 250 જેટલા એકમોની કિલન એટલે કે ભઠ્ઠીઓ ફરીથી સળગી ન હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ ગેસનો દૈનિક વપરાશ પણ 21 લાખ ઘટીને હાલમાં 54 લાખ ક્યુબિક મીટર થયો છે.

વિશ્વના બીજા નંબરનો સૌથી મોટો સીરામીક ઉદ્યોગ હાલમાં એક્સપોર્ટમાં ઉભી થયેલી વિપરીત સ્થિતિથી મુશ્કેલીમાં મુકાયો છે, કન્ટેનર અને વેસેલ ચાર્જીસમાં ચારથી પાંચ ગણો વધારો થતા મોરબીના સીરામીક ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી ગઈ હોય તેવી સ્થિતિમાં મોટા-મોટા એક્સપોર્ટ કરતા એકમોમાં તૈયાર માલનો ભરાવો થઇ જતા જન્માષ્ટમી તહેવાર સમેયે જ સીરામીક ઉદ્યોગે સ્વૈચ્છીક શટડાઉન કરવા જાહેર કરતા અનેક એકમો બંધ કરવામાં આવ્યા હતા અને જન્માષ્ટમી તહેવારને 15 દિવસ જેટલો સમય વીતવા છતાં હજુ પણ 250 જેટલા એકમો બંધ હોવાનું સીરામીક એસોશિએશન પ્રમુખ હરેશભાઇ બપોલિયાએ જણાવ્યું હતું.

હરેશભાઇએ ઉમેર્યું હતું કે, હાલમાં ચોમાસાની સ્થિતિમાં બાંધકામ ઉદ્યોગ બંધ જેવી સ્થિતિમાં હોવાથી ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ શૂન્ય જેવી છે સામ પક્ષે એક્સપોર્ટ માર્કેટમાં ડિમાન્ડ છે પરંતુ કન્ટેનર ભાડામાં ચારથી પાંચ ગણા ભાડા વધારાને કારણે એક્સપોર્ટ ઠપ્પ થઈને પડ્યું છે પરિણામએ મોટાભાગની ફેકટરીઓમાં માલનો ભરાવો થઇ ગયો છે.


દૈનિક ગેસ વપરાશ ઘટીને 54 લાખ ક્યુબિક મીટર

સીરામીક ક્લસ્ટર મોરબીમાં કુલ 750 જેટલી નાની -મોટી ફેકટરીઓ આવેલ છે આ તમામ ફેકટરીઓમાં સામાન્ય સ્થિતિમાં દૈનિક 75 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ થતો હતો. બે મહિના પૂર્વે 75 લાખ ક્યુબીક મીટર ગેસની સાયકલ ચાલતી હતી પરંતુ હાલમાં સ્વૈચ્છીક શટડાઉન અને મંદીની સ્થિતિ જોતા ગેસનો વપરાશ ઘટીને 54 લાખ ક્યુબિક મીટર થયો છે જેમાં 20 લાખ ક્યુબિક મીટર ગુજરાત ગેસ અને 34 લાખ ક્યુબિક મીટર એલપીજી-પ્રોપેનનો વપરાશ થતો હોવાનું ગેસ સપ્લાયર ધર્મેશ જોબનપુત્રા જણાવી રહ્યા છે.