તંત્ર તમારા આંગણે : મોરબી જિલ્લામાં સેવા સેતુના 22 કાર્યક્રમો જાહેર કરતા કલેકટર  

- text


17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી દરેક તાલુકામાં ત્રણ-ત્રણ અને નગરપાલિકા કક્ષાએ 7 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે, જેમાં 55 સરકારી સેવાઓનો મળશે લાભ 

મોરબી : મોરબી જિલ્લામાં 45 દિવસ દરમિયાન 22 સેવા સેતુ કાર્યક્રમો યોજવાની જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જાહેરાત કરી છે. આ સાથે તેઓએ આ દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે તેવું પણ જણાવ્યું છે.

આ અંગેની વિગતો આપતા જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર આ 45 દિવસ દરમિયાન સેવા સેતુના 22 કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં દરેક તાલુકામાં ત્રણ ત્રણ અને નગરપાલિકાઓમાં 7 કાર્યક્રમ થશે. આ સેવા સેતુમાં 13 વિભાગો દ્વારા 55 સેવાઓ સ્થળ ઉપર જ પુરી પાડવામાં આવશે. દરેક ગામમાં અન્ય 10 થી 12 ગામોનું ક્લસ્ટર બનાવી કાર્યક્રમ યોજવામાં આવશે.

સેવા સેતુ કાર્યક્રમમાં આધાકાર્ડ, રાશનકાર્ડ, આવકના પ્રમાણ પત્ર, જન્મ મરણના દાખલા સહિતની અનેક સરકારી સેવાઓ મળશે. વધુમાં લોકોને અપીલ છે કે જે લોકો પાસે આયુષમાન કાર્ડ નથી તેઓ સેવા સેતુમાં ઉપસ્થિત રહી જોડાવા માટે આયુષમાન કાર્ડ કઢાવે. ઉપરાંત રૂ. 2.40 લાખથી ઓછી વાર્ષિક આવક હોય તેવા પરિવારો એનએફએસએ કાર્ડ માટે સેવા સેતુ કાર્યક્રમમાં અરજી કરે, જેથી તેઓને વિનામૂલ્યે રાશન મળી શકે. આ સેવા સેતુ કાર્યક્રમમાં રોજગાર વાચ્છુકોની નોંધણી પણ કરવામાં આવશે. બાદમાં રોજગાર વિભાગ તેને લગતી નોકરી શોધવામાં મદદરૂપ થશે.

- text

વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે મોરબી જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર અને ત્યારથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન પણ યોજાશે. તેઓએ ઉમેર્યું કે જ્યારથી તેઓએ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી મારુ મોરબી મસ્ત મોરબી બનાવવાના પ્રયાસો કર્યા છે. આ અભિયાન હેઠળ સ્વચ્છતા માટેના વિવિધ કાર્યક્રમો યોજાશે. અંતમાં તેઓએ લોકોને જ્યાં ત્યાં કચરો ન નાખી મોરબી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે જાહેર અપીલ પણ કરી હતી.

- text