- text
રસ્તો રોકવામાં આવતા વાહનચાલકો અને સ્થાનિક લોકો વચ્ચે રકઝકના દ્રશ્યો સર્જાયા
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ભરાવાનો પ્રશ્ન હોય આજ રોજ રહેવાસીઓએ શનાળા મેઈન રોડ પર ચક્કાજામ કર્યો હતો. રહેવાસીઓએ હાઈવે બ્લોક કરી દીધો હતો અને વાહનચાલકોને આગળ જતાં અટકાવી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે હાઈવેની બન્ને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા હતા.
અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ઉભરાયેલા છે. આ અંગે રહેવાસીઓએ અનેક વખત મોરબી નગરપાલિકાને રજૂઆત કરી હતી પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજે લોકોએ કંટાળીને રોડ ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક મહિલાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગટરના પાણીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ચૂંટણી વખતે મત માટે આવતા નેતાઓ ક્યાં ખોવાય ગયા છે. ધારાસભ્ય કાંતિભાઈ મત લેવા આવતા હતા અત્યારે ક્યાં સુઈ ગયા છો ? તેવો પ્રશ્ન પણ મહિલાઓએ ઉઠાવ્યો હતો. પહેલા ગટરો સાફ કરો પછી અમે રસ્તો ખોલીશું તેમ મહિલાઓએ જણાવ્યું હતું.
રોડ ચક્કાજામ કરી દેવાતા વાહનચાલકો અને વિરોધ નોંધાવી રહેલા સ્થાનિક લોકો વચ્ચે પણ રકઝકના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક વાહનચાલકે જણાવ્યું હતું કે, નગરપાલિકાનો પ્રશ્ન હોય તો નગરપાલિકાએ જઈને વિરોધ નોંધાવવો જોઈએ આ રીતે સામાન્ય પ્રજાને હેરાનગતિ થાય તેવું ન કરવું જોઈએ. આ ટ્રાફિકમાં હોસ્પિટલે જઈ રહેલા લોકો અને એમ્બ્યુલન્સ પણ ફસાઈ છે. તો સામે સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હતું કે અમે અનેક વખત રજૂઆત કરવા નગરપાલિકાએ ગયા છીએ પરંતુ તેમ છતાં નિરાકરણ ન આવતા આજે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી છે. ફોન કરવા છતાં કાઉન્સિલર ન આવતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે. મોરબીની શાંતિપ્રિય પ્રજા તંત્રના પાપે હેરાન થતી હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. સાથે જ લોકોએ નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા.
- text
- text