- text
ધજા મહોત્સવના કન્વીનર અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન
મોરબી : કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે મા ઉમિયા મંદિરમાં બિરાજમાન થયાને 1868 વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ 11 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર 2024 સુધી ભવ્યાતિભવ્ય મા ઉમિયા ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 2-2 હજાર ધ્વજાનું આરોહણ કરવામાં આવનાર છે. ત્યારે ગત 11 સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે ઉછામણીના લાભાર્થી એવા 11 ધ્વજાના યજમાનો દ્વારા ધ્વજારોહણ કરાયું હતું. આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હાજરી આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્વજાજીનું પૂજન કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ અન્વયે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી, લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન અને મા ઉમિયા ધજા મહોત્સવના કન્વીનર એવા મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ-દાનવીર ગોવિંદભાઈ વરમોરાએ પણ ધ્વજા પૂજનનો પરિવાર સાથે લ્હાવો લીધો હતો. આ તકે ધ્વજા ઉછામણીના દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં દરરોજ હજારોની સંખ્યામાં ધ્વજા ચડાવવામાં આવશે અને આ કાર્યક્રમમાં દરરોજ 1 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે.
મહત્વનું છે કે, ઉમિયા માતાજી મંદિરમાં બિરાજમાન થયાને 1868 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 5 હજારના દાન થકી 1868 યજમાનો દ્વારા 1868 ઉમા પ્રાગટ્ય ધ્વજાનું આરોહણ થશે. જ્યારે 1100 રૂપિયાના દાન થકી 11,111 ધર્મ ધ્વજાઓ યજમાન થકી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2024 સુધી દરરોજ ચડાવવામાં આવશે.
- text
- text