ઉભરાતી ગટર મામલે ચક્કાજામ બાદ ચીફ ઓફિસરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો

- text


અંકુર સોસાયટીના રહેવાસીઓએ ચક્કાજામ કરતા જ પાલિકા તંત્ર દોડતું થયું

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કરતા જ પાલિકા તંત્ર દોડતું થયું હતું અને ખુદ ચીફ ઓફિસરે દોડી આવી સમસ્યા ઉકેલવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાની અને ગટરના ગંદા પાણી રોડ ઉપર ઉભરાવાની સમસ્યા વકરી છે ત્યારે શનાળા રોડ ઉપર અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર આવી રહ્યા હોવાથી રોગચાળાનો ખતરો ઉભો થતા અનેક રજૂઆતો કરી થાકેલા સ્થાનિકોએ ગુરુવારે શનાળા રોડ ઉપર ચક્કા જામ કરી નાખતા પાલિકા તંત્ર દોડતું થયું હતું.

બીજી તરફ ચક્કજામને પગલે નગરપાલિકાની ટીમો સાથે ખુદ ચીફ ઓફિસર પણ અંકુર સોસાયટી ખાતે દોડી આવ્યા હતા અને રહેવાસીઓને જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી જ ભૂગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં જ સમસ્યા ઉકેલી નાખવાની સાથે તમામ ભૂગર્ભ ગટરની કુંડી સફાઈ કરાવી ભવિષ્યમાં પ્રશ્ન ન સર્જાય તે માટે પગલાં લેવામાં આવશે તેમ જણાવતા મામલો થાળે પડ્યો હતો.

- text

- text