મોરબીમાં ખોટો ગુન્હો કબુલાવા થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરનાર તત્કાલીન પીઆઈને એક વર્ષની કેદ

- text


વર્ષ 2004ના ચકચારી કેસમાં અદાલતનો આકરો ચુકાદો, મોરબી જિલ્લામાં પોલીસને સજા પડયાનો પહેલો કિસ્સો

મોરબી : મોરબીના તત્કાલીન પીઆઇ અને નિવૃત ડી.વાય.એસ.પી. સામે ગેર કાયદેસર થર્ડ ડિગ્રી અપનાવી માર મારવાના કેસમાં મોરબીની અદાલતે જિલ્લામાં પ્રથમ કહી શકાય તેવો ચુકાદો આપી તત્કાલીન પીઆઈને એક વર્ષની સજા ફટકારવા હુકમ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામેલ છે.

- text

આ કેસની વિગત જોઈએ તો મોરબી શહેરમાં વર્ષ 2004માં મોરબી સીટી પોલીસ ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા એમ.એફ.જાદવ તથા અન્ય પોલીસ કર્મચારી વિરુદ્ધ મોરબી ચીફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ખોટા ગુનાની કબુલાત કરવા તથા ગેર કાયદેસર માર મારી થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી ગુનો કર્યાની ફરીયાદ એડવોકેટ બી.એચ.નંદાસણા (ટીનાભાઈ) દ્વારા દાખલ કરવામાં આવી હતી.આ ચકચારી કેસમાં પોલીસ સામેની ફરીયાદ નામદાર કોર્ટમાં રજીસ્ટ્રર કરવાનો હુકમ જાહેર કરી પી.આઈ.જાદવ તથા અન્ય પોલીસ કર્મચારીઓને સમંન્સ ઈન્યુ કરી એડીશનલ ચીફ મેજીસ્ટ્રેટ દ્વારા અદાલતમાં હાજર થવાનો હુકમ જાહેર કરવામાં આવેલ હતો.આ કેસમાં પુરાવાના સ્ટેજે નજરે જોનાર સાક્ષીઓ તથા ફરીયાદીની જુબાની તથા પોલીસે માર માર્યા અંગેના મેડીકલ એવીડન્સ તથા કાયદા પરત્વેની દલીલો તથા પોલીસ તરફથી નામદાર કોર્ટમાં રજુ થયેલ દલીલોના અંતે તત્કાલીન પીઆઇ અને નિવૃત ડીવાયએસપી પી.આઈ.જાદવ સામે ફરીયાદીને માર મારવા સબબનો કેસ નિઃશંક પણે સાબિત માની ભારતીય દંડ સંહીતાની કલમ-323 મુજબના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.1000નો દંડ અને જો દંડ ભરવામાં કસુર કરે તો વધુ 7-દિવસની સાદી કેદની સજા તથા કલમ-341 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં એક માસની સાદી કેદની સજા અને 500 રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો બે દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ જાહેર કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text