તંત્ર બેધ્યાનઃ મોરબીમાં એક વર્ષથી નંબર પ્લેટ વગર દોડી રહી છે સિટી બસ

- text


અગાઉ આખા શહેરમાં દોડતી સિટી બસ હવે સીમિત સ્થાનોએ જ દોડે છે : અડધો-અડધ સિટી બસ બંધ કરી દેવાઈ

મોરબી : સિરામીક સિટી મોરબીમાં નગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાકટર મારફતે શહેરમાં ચલાવવામાં આવતી સિટી બસના કોન્ટ્રાકટર દ્વારા લાલીયાવાડી ચલાવી છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી નંબર પ્લેટ વગરની સિટી બસ દોડાવવામાં આવતી હોવાનું ઉપરાંત અગાઉ 16ને બદલે હાલમાં માત્ર 8 સિટી બસથી જ સિટીબસ સેવાનું નાટક ચલાવવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. નોંધનીય છે કે હાલમાં મોરબીમાં સિટી બસ સેવાના અભાવે રિક્ષાચાલકો મિનિમમ 20થી 30 રૂપિયા ભાડા વસૂલી લોકોને લૂંટી રહ્યા છે ત્યારે શહેરમાં સિટી બસનો વ્યાપ વધારવો ખુબ જ જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

મોરબી શહેરમાં વર્ષ 2019માં નગરપાલિકાએ બે બસથી સિટી બસ સેવા શરૂ કર્યા બાદ સિટી બસનો કોન્ટ્રાકટર આપવામાં આવતા શહેરના રવાપર રોડ, લીલાપર રોડ, સો ઓરડી,વાવડી, ધરમપુર સહિતના વિસ્તારમાં 16 બસ દોડતી હતી પરંતુ કોરોના મહામારીમાં સિટી બસ સેવા ખોરંભે પડ્યા બાદ એકાદ વર્ષ પહેલા ફરી રાબેતા મુજબ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, સિટી બસના કોન્ટ્રાકટરે હાલમાં માત્ર આઠ જ સીટી બસથી લોકોને રાહતભાવે બસ સેવા આપવામાં આવે છે પરંતુ આ તમામ સિટી બસમાં છેલ્લા એક વર્ષથી નંબર પ્લેટ લગાવવામાં આવી નથી જેથી મોટાપ્રમાણમાં રોડ ટેક્સ ચોરીની આશંકા જન્મી છે.

વધુમાં અગાઉ મોરબી શહેરમાં સો ઓરડી, વાવડી રોડ, રવાપર ધુનડા વગેરે રૂટ ઉપર સિટી બસ સેવા ચાલુ હતી જે હાલમાં બંધ કરી દઈ ગાંધીચોકથી લજાઈ વચ્ચે 3 બસ, નવાગામ માટે 2 બસ,રફાળેશ્વર માટે એક, બેલા માટે એક અને નીચી માંડલ માટે એક મળી આઠ રૂટ ઉપર જ સિટી બસ સેવા શરૂ હોય મોરબીના મધ્યમ અને ગરીબવર્ગના લોકોને ના છૂટકે રીક્ષા ચાલકોને 20થી 30 રૂપિયા ભાડા ચૂકવવા પડી રહ્યા છે.

- text


આરટીઓ કહે છે તપાસ કરીશું

મોરબી શહેરમાં નંબર પ્લેટ વગર છેલ્લા એક વર્ષથી દોડતી સિટી બસ સેવા અંગે મોરબી આરટીઓના રોહિત પ્રજાપતિને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, નિયમ મુજબ સિટી બસના રૂટ નક્કી કરવાના હોય છે અને ત્યાર બાદ ટેક્સ નક્કી થતો હોય છે ત્યારે નંબર પ્લેટ વગર ચાલી રહેલ સિટી બસ અંગે તપાસ કરી પગલાં ભરવામાં આવશે.


મોરબીમાં સિટી બસનો વ્યાપ વધારવામાં આવશે : ચીફ ઓફિસર

મોરબીમાં હાલમાં 16 પૈકી માત્ર આઠ જ સિટી બસ ચાલુ છે અને રવાપર, સો ઓરડી, વાવડી સહિતના રૂટ બંધ છે ત્યારે આવનાર દિવસોમાં જુના તમામ રૂટ શરૂ કરવાની સાથે નવા રૂટ ઉપર પણ સિટી બસ શરૂ કરી સિટી બસનો વ્યાપ વધારવામાં આવશે.


બસનું પાસિંગ થઇ ગયું છે હવે નંબર પ્લેટ લગાડીશું

મોરબી શહેરમાં નંબર પ્લેટ વગર દોડી રહેલી સિટી બસ સેવા અંગે કોન્ટ્રાકટર રાજુભાઈ જારિયાએ જણાવ્યું હતું કે, તમામ સિટી બસનું પાસિંગ થઇ ગયું છે અને હવે તમામ બસની નંબર પ્લેટ લગાવી દેવાંમાં આવશે.


 

- text