પરશોત્તમ રૂપાલા સામે સંકલન સમિતિ ફરી મેદાને, ભગવાન રામ વિશેના નિવેદન સામે વિરોધ 

- text


દશેરા સુધીમાં રાજપૂત-ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નોનું સમાધાન કરવા સરકારને વિનંતી

મોરબી : રાજકોટ લોકસભાના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા સામે ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ ફરી મેદાને આવી છે અને ભગવાન શ્રીરામ વિશે કરવામાં આવેલા નિવેદનનો વિરોધ નોંધાવી પરશોત્તમ રૂપાલાને ભાજપની તમામ જવાબદારીમાંથી મુક્ત કરવા માગ કરી છે.

ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, પરશોત્તમ રૂપાલા દ્વારા સનાતન ધર્મના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રીરામ વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો છે. આ નિવેદનને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ શખત શબ્દોમાં વખોડે છે. સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારને આવા વાણી વિલાસ કરનાર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માટે કાયદો બનાવવા પત્ર પાઠવાયો છે. પરશોત્તમ રૂપાલા દ્વારા પુનઃ સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે ભાજપનું સંગઠન પરશોત્તમ રૂપાલાને તમામ કક્ષાની જવાબદારીમાંથી મુક્ત કરે તેવી માગ કરવામાં આવી છે.

- text

આ ઉપરાંત કરણસિંહ ચાવડાએ રાજપૂત-ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નોને લઈને જણાવ્યું છે કે, સમાજના પડતર પ્રશ્નો અંગે ગત તારીખ 5-8-2024ના રોજ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને આગામી તારીખ 10-10-2024 ને દશેરા સુધીમાં આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું છે. અમને આશા છે કે, ગુજરાત સરકાર દશેરા સુધીમાં સમાજના પડતર પ્રશ્નોને લઈ સંકલન સમિતિને બોલાવી આ પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરશે. જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી ગુજરાતની તમામ ક્ષત્રિય-રાજપૂત સમાજની સંસ્થાઓની મીટીંગનું આયોજન કરી આગળની રણનીતિ ઘડવામાં આવશે.

- text