મોરબીમાં ટ્રાફિક પ્રશ્ને યુવાનો આકરા પાણીએ, તંત્રને એક સપ્તાહનું અલ્ટીમેટમ

- text


ટ્રાફિક પીઆઈને કરાઈ રજુઆત : રાત્રે સ્કાય મોલવાળા રોડ ઉપર બન્ને બાજુએ પાર્ક કરાયેલ કાર સામે થશે કાર્યવાહી : નાગરિકોને પણ ટ્રાફિક નિયમોનો ચુસ્ત અમલ કરવા અપીલ

મોરબી : મોરબીમાં અવાર નવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી દરેક નાગરિકો ત્રસ્ત છે. ત્યારે 40થી વધુ જાગૃત યુવાનોએ આ મામલે તંત્રને એક સપ્તાહનું અલટીમેટમ આપ્યું છે. સાથે આ મામલે ટ્રાફિક પીઆઈને રજુઆત પણ કરવામાં આવી છે.

થોરાળાના યુવાન રાજ અંબાણીએ જણાવ્યું કે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામનો પ્રશ્ન ઉદભવી રહ્યો છે. રવાપર ચોકડી, વાવડી ચોકડી, ઉમિયા ચોકડી, દલવાડી સર્કલ પાસે, નવલખી ફાટક વાળો બ્રિજ, અવની સર્કલ, ત્રાજપર ચોકડી, મહેન્દ્રનગર ચોકડી સહિતના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.

આજે જિલ્લા ટ્રાફિક પીઆઈને આ મામલે રજુઆત કરવામાં આવી છે. અંદાજે દોઢ કલાક જેટલો સમય પીઆઈએ ટ્રાફિક મુદ્દે થઈ રહેલી કામગીરીને લઈને ચર્ચા કરી હતી. ટ્રાફિક પીઆઈએ કહ્યું કે અમારા પુરા પ્રયત્નો છે. નાગરિકોએ પણ આમાં સહયોગ આપવાની જરૂર છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂર છે. રોંગ સાઈડમાં વાહન ચલાવવું, સાઈડ બંધ હોય છતાં ત્યાંથી વાહન પસાર કરવું આ બધું છોડીને ડિસિપ્લીન લાવવી જોઈએ.

વધુમાં સ્કાય મોલ પાસેના ટ્રાફિકને લઈને રજુઆત કરતા પીઆઈએ ખાતરી આપી હતી કે ત્યાં રોડની બન્ને બાજુ રાત્રે વાહનો પાર્ક થાય છે ત્યાં સ્થળ ઉપર જ વાહન લોક કરવા તેમજ મેમાં આપવાની કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં રજુઆત કર્તાએ જણાવ્યું કે એક અઠવાડિયામાં જો ટ્રાફિક પ્રશ્ન હળવો નહિ થાય તો આગળ ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

- text

- text