નિખિલ ધામેચા હત્યા કેસ સીબીઆઈને સોંપાતા હત્યારા ઓળખાઈ જવાની માતાપિતાને આશા

- text


ગુજરાત પોલીસે કઈ કર્યું ન હોવાનો આરોપ : સીબીઆઈ ઉપર વિશ્વાસ

અમારા નિર્દોષ બાળકનો વાંક શું ? અમારે એ જ જવાબ જોઈએ છે

મોરબી : મોરબીમાં નવ વર્ષ પૂર્વે નિખિલ પરેશભાઈ ધામેચા નામના 14 વર્ષના માસુમ બાળકનું અપહરણ થયા બાદ લાશ મળી આવી હતી અને આ ચકચારી કેસમાં અપહરણ કરી હત્યા કરનાર શખ્સો જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ સ્થાનિક પોલીસ બાદ સીઆઇડી પણ તપાસમાં કઈ ઉકાળી ન શકતા અંતે હાઇકોર્ટમાં કાનૂની લડત આપી મૃતકના પિતાની માંગ મુજબ આ ભેદભરમના આટાપાટા સર્જતો કેસ સીબીઆઈને સોંપવામાં આવતા મૃતક નિખિલના પિતા પરેશભાઈએ હત્યારાઓ ઓળખાઈ જવાની સાથે પોતાના નિર્દોષ બાળકને શા માટે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તે વણઉકેલ પ્રશ્નનો જવાબ મળવાની આશા વ્યક્ત કરી દોષિત ફાંસીના માંચડા સુધી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

મોરબીમાં રહેતા અને દરજીકામ કરી ગુજરાન ચલાવતા પરેશભાઈ ધામેચાના 14 વર્ષના પુત્ર નિખિલનું તા.15-12-2015ના રોજ અપહરણ થયા બાદ તા.18-12-2015ના રોજ મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસે અપહરણ અને હત્યા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ આ ભેદભરમ સર્જનાર ઘટનામાં કોઈ નક્કર હકીકત સુધી ન પહોંચી શકતા આ રહસ્યના આટાપાટા સર્જતી ક્રાઇમ થ્રિલર સ્ટોરીને પણ ટક્કર મારે તેવી ઘટનાની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી. જો કે, સીઆઇડીએ પણ વર્ષો સુધી તપાસ કર્યા બાદ આરોપીઓ સુધી કે બનાવના કારણ સુધી પહોંચી શકી ન હતી.

- text

બીજી તરફ નિખિલ ધામેચાના પિતા પરેશભાઈ ધામેચા અને માતા કીર્તિબેન ધામેચા પોતાના વ્હાલસોયા પુત્રનો વાંક શું ? ગુન્હો શું ? તો આવી રીતે અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દેવાયો તેવા નિરુત્તર પ્રશ્નને લઈ સ્થાનિક પોલીસ અને સીઆઇડીની તપાસ ઉપર વિશ્વાસ ન હોવાનું જણાવી સતત હાઇકોર્ટમાં કાનૂની લડત આપી સીબીઆઈને તપાસ સોંપવા માંગ કરતા અંતે હાઇકોર્ટે સીબીઆઈને તપાસ સોંપતા નિખિલના પિતા પરેશભાઈએ હવે આરોપીઓ ઓળખાઈ જવાની આશા વ્યકત કરી તેમના નિર્દોષ પુત્રને શા માટે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તે કારણનો પણ ઉત્તર મળેશે તેવી આશા વ્યક્ત કરી હતી.


હત્યારો ફાંસીના માંચડે ચડે ત્યારે જ નિખિલના આત્માને શાંતિ મળશે : કીર્તિબેન

મોરબીમાં નવ-નવ વર્ષથી નિખિલ ધામેચા હત્યા કેસના આરોપી પકડાવા તો દૂરની વાત પણ પોલીસ આરોપીઓ ઓળખી પણ નથી શકી ત્યારે આ ચકચારી કેસ સીબીઆઈને સોંપવામાં આવતા સ્વ.નિખિલના માતા કીર્તિબેને જણાવ્યું હતું કે, સીબીઆઈ ચોક્કસપણે આરોપીઓ સુધી પહોંચશે અને આરોપીઓ જયારે ફાંસીના માંચડે ચડશે ત્યારે જ નિખિલના આત્માને શાંતિ મળશે અને સાચી શ્રદ્ધાંજલિ પણ મળશે.


આવા આરોપીઓ સમાજ સામે ખુલ્લા પડવા જ જોઈએ : પરેશભાઈ ધામેચા

મોરબીના નિખિલ હત્યા કેસની તપાસ હાઇકોર્ટે સીબીઆઈને સોંપવા હુકમ કરતા સ્વ.નિખિલના પિતા પરેશભાઈએ સૌ પ્રથમ તો હાઇકોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આજે મારા પુત્ર સાથે થયું તેવું અન્ય કોઈના લાડકવાયા સાથે ન થાય તે માટે સમાજમાં આવા આરોપીઓ ઓળખાવા જ જોઈએ, આટલા નાના બાળકનો શું વાંક કે હત્યારાઓ તેની નિર્મમ હત્યા કરે ? હાલ તો અમને સીબીઆઈ ઉપર પૂર્ણ ભરોસો છે અને નિખિલ હત્યા કેસ 100 ટકા ડિટેકટ થશે જ તેવું પરેશભાઈએ જણાવ્યું હતું.


- text