આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ : મોરબી શહેરમાં 25000 જેટલી મૂર્તિઓનું વેચાણ

- text


ગણપતિ બાપા મોર્યાના નારા સાથે દસ દિવસ ઉત્સવનો માહોલ : દુંદાળાદેવની વાજતે ગાજતે સ્થાપન બાદ પૂજા, અર્ચના અને મહાઆરતીથી પંડાલો ધમધમશે

મોરબી : સિરામીક ઉદ્યોગમાં મંદીને કારણે આ વર્ષે મોરબી જિલ્લામાં ગણેશોત્સવમાં પણ અસર જોવા મળી છે ત્યારે આજથી મોરબીમાં ગણેશ મહોત્સવના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે, શહેરમાં ઠેર ઠેર ઉભા કરવામાં આવેલ પંડાલોમા આજે ભાવભેર ભગવાન ગણેશની સ્થાપન વિધિ કરવામાં આવશે અને દસ દિવસ પંડાલોમા દુંદાળાદેવનું પૂજન, અર્ચન, મહાઆરતી અને પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં ગણેશોત્સવ ઉજવવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને શ્રાવણમાસના અંતિમ ભાગમાં જ અનેકવિધ જગ્યાઓ ઉપર ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ શરૂ થયા બાદ આજથી શહેરમાં રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસે, કાયાજી પ્લોટ, કાલિકા પ્લોટ, શનાળા રોડ, મહેન્દ્રપરા, માધાપર, લખધીરવાસ, ગ્રીનચોક, દરબારગઢ, રોટરીનગર, લીલાપર રોડ રીલીફનગર, વર્ધમાનનગર, વિદ્યુતનગર, સો ઓરડીમાં ગોકુળ કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સિદ્ધિ વિનાયકકા રાજા અને પટેલ ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ અને મોરબીના લખધીરવાસ ખાતે મયુરનગરી કા રાજા, એસપી રોડના મયુર નગરી કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી નિમિત્તે ગણેશજીના વાજતે ગાજતે સામૈયા બાદ પંડાલમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.


ગણેશોત્સવને મંદી અને ભારે વરસાદનું ગ્રહણ

મોરબી શહેરમાં દર વર્ષે ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ભારે વરસાદ તેમજ સિરામિક ઉદ્યોગમાં મંદીના કારણે ગત વર્ષની તુલનાએ આ વર્ષે ગણેશજીની પ્રતિમાનું વેચાણ ઓછું ઘટ્યું હોવાનું સામે આવ્યું છે, ગત વર્ષે 5 કરોડ જેવું માર્કેટ હતું જે આ વર્ષે ઘટીને 3.5 કરોડ જેવું થયું હોવાનું વ્યાપારી વર્તુળો જણાવી રહ્યા છે.


મોરબીમાં 25 હજાર જેટલી મૂર્તિઓનું વેચાણ

મહારાષ્ટ્ર્ની જેમ જ ગુજરાતમાં પણ ઘેર ઘેર ગણેશજીનું સ્થાપન થઈ રહ્યું હોય મોરબીમાં આ વર્ષે અંદાજે 25 હજાર જેટલી મૂર્તિઓનું વેચાણ થવાનો અંદાજ છે, પીઓપીની મૂર્તિનું વેચાણ કરતા રમેશભાઈ દેલવાડીયા જણાવે છે કે મોરબીમાં 50 જેટલા વેપારીઓ જુદા જુદા સ્થળે મંડપ નાખીને મૂર્તિઓનું વેચાણ કર છે જેમાં 1.5 ફૂટની સાઈઝની 30,000 મૂર્તિઓ અને 4 ફૂટથી લઈ 9.5 ફૂટ સુધીની 3000 જેટલી મૂર્તિઓ છે જેમાંથી 70 ટકા જેવું વેચાણ થવાનો અંદાજ છે તે જોતા વર્ષે મોરબીમાં 25000 જેટલી મૂર્તિઓ વેચાશે.


મોરબીમાં દુંદાળા દેવની 300 પ્રકારની મૂર્તિઓ

મોરબી શહેરમાં ગણેશોત્સવની ધૂમ વચ્ચે આ વખતે માર્કેટમાં દુંદાળા દેવની અયોધ્યામાં ભગવાન રામલલાની સ્થાપના બાદ અયોધ્યા થીમ આધારિત મૂર્તિ, લાલબાગ કા રાજા, કૃષ્ણ સ્વરૂપ, દગડુ શેઠ, વગેરે 300 થી વધુ પ્રકારની મૂર્તિઓ માર્કેટમાં ઉપલ્ભધ હોવાનું અને મોરબીમાં 100થી વધુ કારીગરો છેલ્લા 3 મહિનાથી મૂર્તિ બનાવવાનું કાર્ય કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.


મોરબીમાં ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું ચલણ વધ્યું

મોરબીમાં ગણેશોત્સવમાં પીઓપીના બદલે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનું ચલણ વધ્યું છે. માટીના ગણપતિ બનાવતા કમલેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, માટીના ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન થઈ શકતું હોવાથી લોકો માટીની મૂર્તિઓ પસંદ કરતા થયા છે. મોરબીમાં 4 ઈંચથી માંડીને 3.5 ફૂટ સુધીંની 900 જેટલી માટીની મૂર્તિઓ છે. જેનો ભાવ 51 રૂપિયાથી માંડીને 11,000 રૂપિયા સુધીનો છે. આ વખતે વરસાદનું વિઘ્ન હોવાથી વેચાણમાં થોડો ફટકો પડ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.

- text


સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિ મહોત્સવમાં રોબોટિક હાથી  

મોરબીમાં છેલ્લા 15 વર્ષથી સિદ્ધિ વિનાયક કા રાજા ગણપતિનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વખતે એસ.પી રોડ પાસે છ વીઘામાં આ ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આયોજક ઓમ બારૈયાએ જણાવ્યું હતું કે, સિદ્ધિ વિનાયકકા રાજાની મૂર્તિ મુંબઈથી મંગાવી છે 25 ફૂટ ઉંચી ગણપતિની મૂર્તિ છે. આ ગણપતિના પંડાલમાં પર્યાવરણ બચાવવાના થીમ સાથે વૃક્ષોના જુદા જુદા કટ આઉટ મુકવામાં આવશે. સાથે જ પ્રાણી બચાવવાના સંદેશ માટે બે રોબોટિક હાથી મુકવામાં આવશે.


પટેલ ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવમાં દ્વાદશ જ્યોતિર્લિંગ

મોરબીમાં રવાપર – ધુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ વડોદરાથી 15 ફૂટ ઉંચી મૂર્તિ મંગાવવામાં આવી છે. આ વર્ષે અહીં ચાર ધામ અને 12 જ્યોતિલિંગની થીમ સાથે ગણેશોત્સવનું આયોજન કરાયું છે.


- text