બગથળામાં યુવાનના જન્મદિવસની અનોખી ઉજવણી : 35 લોકોને વ્યસન છોડવાયું

- text


રેમીન મેરજાના જન્મદિવસે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો : લોકોએ તમાકુ, ગુટખા, સિગરેટ, બીડી વિગેરે જેવા બંધાણ છોડવાનો સંકલ્પ કર્યો

મોરબી : સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પોતાના જન્મદિવસની પોતાના પરિવારજનો સાથે કેક કાપીને કે પાર્ટી યોજીને ઉજવણી કરતા હોય છે. પરંતુ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મેરજા પરિવારના યુવાને સમાજને નવો રાહ ચીંધતા જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેમાં તેણે મેરજા પરિવાર માટે વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમાં આવેલા લોકોમાંથી 35 જેટલા લોકોએ તમાકુ, ગુટખા, સિગરેટ, બીડી વિગેરે જેવા જે કોઈ બંધાણ હોય તે વ્યસન મુકવા માટેનો સંકલ્પ કર્યો હતો.

સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં માવા, મસાલા, તમાકુ, બીડી, ગુટખા વિગેરેનું બહુ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને વ્યસનના બંધાણીઓને એક સેકન્ડ પણ વ્યસન વગર ચાલતું નથી પરંતુ વ્યસન મુક્ત સમાજ બને તે માટે થઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમો જનજાગૃતિ માટે કરવામાં આવતા હોય છે પરંતુ મોરબી નજીકના બગથળા ગામે રહેતા સવજીભાઈ ભુરાભાઈ મેરજા પરિવાર દ્વારા જન્મદિવસની વ્યસન મુક્તિના સંકલ્પ સાથે ઉજવણી થાય તે પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બગથળા ગામે રહેતા પ્રવીણભાઈ મેરજાના દીકરા રેમીન મેરજાએ 19 વર્ષ પૂરા કરીને 20માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે મેરજા પરિવાર માટે વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૂળ બગથળા ગામના જ વાતની અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ડો. સતિષભાઈ પટેલ કે જેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન નામથી સંસ્થા ચલાવવામાં આવે છે આ સંસ્થા દ્વારા લોકો વ્યસન મુક્ત થાય અને નીરોગી બને તે માટે થઈને જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.

- text

ત્યારે મેરજા પરિવાર દ્વારા ડો. સતિષભાઈ પટેલ અને તેની ટીમને તેઓના આંગણે બોલાવવામાં આવી હતી અને ત્યાં મેરજા પરિવારના લોકો જે હાજર હતા તેમને વ્યસનના કારણે આર્થિક અને શારીરિક જે નુકસાન થાય છે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વ્યસન મુક્તિનો સંકલ્પ કરે તે પ્રકારનું આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે રેમીન પ્રવીણભાઈ મેરજાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં આવેલા લોકોમાંથી 35 જેટલા વ્યક્તિઓએ પોતાના પાન, માવા, મસાલા, ગુટખા, સિગરેટ, બીડી વિગેરેના જે કોઈ બંધાણ હતા તે વ્યસન છોડવા માટેનો સંકલ્પ કર્યો હતો.

- text