મોરબી ઝૂલતા પુલની તપાસ સીબીઆઈને સોંપો : હાઇકોર્ટમાં પીડિતોની માંગ

- text


દુર્ઘટનામાં સાચી હકીકત ઢંકાયેલી, તપાસમાં બહુ ગંભીર અને કેટલાક છીંડા રાખવામાં આવ્યા, તપાસ પોલીસ અને સીટ પાસેથી લઈ લ્યો : પીડિતોના વકીલની ધારદાર રજુઆત

મોરબી : મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોના વકીલ તરફથી સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને તપાસ સોંપવા માંગણી કરવામાં આવી હતી. પીડિતો તરફથી અદાલતને જણાવાયું હતું કે, ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાલની તપાસમાં બહુ ગંભીર અને કેટલાક છીંડા રાખવામાં આવ્યા છે. ખાસ કરીને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સહિતના કસૂરવાર લોકો સામે કોઈ પગલાં લેવાયા નથી કે કાયદેસર કાર્યવાહી થઈ નથી. એટલે સુધી કે, તેઓને આ કેસમાં આરોપી પણ બનાવાયા નથી. ઝુલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં સાચી હકીકતો બહાર લાવવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી છે. આ સંજોગોમાં સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપાય તે ખૂબ જરૂરી છે. તેવું સંદેશના અહેવાલ જણાવાયુ છે.

વધુમાં અહેવાલમાં જણાવ્યા મુજબ, હાઈકોર્ટે પીડિતપક્ષના વકીલને જણાવ્યું હતું કે, જો આ માંગણી બાબતે વિચાર કરાશે કે, તેને ગ્રાહ્ય રખાય તો, કેસની ટ્રાયલ જે શરૂ થઇ ગઈ છે, તેની પ્રક્રિયા વિલંબિત થશે અને અંતે પીડિતોને જ તેની અસર ભોગવવી પડશે. તેના કરતાં કેસની ટ્રાયલ દરમ્યાન જો કોઈ નબળી કડી જણાય તો પીડિતો તરફથી તે બાબત કોર્ટમાં રજૂ કરી શકાય છે. વળી, સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(સીટ) દ્વારા રિપોર્ટ રજૂ કરી દેવાયો છે અને તેમાં આ દુર્ઘટનાને લઈ કોની કોની જવાબદારી છે તે સહિતની બાબતોનો ઉલ્લેખ કરાયો છે

દરમ્યાન આ કેસમાં હાઇકોર્ટ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ કોર્ટ સહાયક તરીકે નીમાયેલા એડવોકેટ એવા કોર્ટ કમિશનર દ્વારા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના પીડિતોની વ્યક્તિગત રીતે રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કોર્ટ કમિશનર દ્વારા પીડિતોની રજૂઆત, વ્યથા અને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તે અંગેનો વિગતવાર અહેવાલ બે ભાગમાં તૈયાર કરી આજે સીલબંધ કવરમાં હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો. આ અહેવાલ ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા જણાવાયું હતું કે, અલગ-અલગ કેટેગરીમાં પીડિતોને રૂ.૧૨ હજાર જેટલી સહાય અપાઈ રહી છે. કેટલીક વિધવા બહેનોએ એકમાત્ર કમાનાર વ્યકિત ગુમાવ્યા છે. તો, ઘણા સગીર આધાર વિનાના થયા છે. કેટલાક પીડિતો એવા પણ છે કે, જેઓને ઇજાના કારણે તેમની સારી એવી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. એક કિસ્સામાં એક ભાઈને નોકરીમાંથી પાણીચું અપાયુ હોવાની વિગત પણ સામે આવી છે. અન્ય એક વ્યકિતને કરોડરજ્જુમાં બહુ ગંભીર ઇજા પહોંચી છે. તેઓને પણ યોગ્ય આધાર મળ્યો નથી.

- text


મૃતકોમાં મોટાભાગના યુવાન અને બાળકો : કોઈ વિધવા થયું, તો કોઈએ ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો 

કોર્ટ કમિશનરે ખંડપીઠને જણાવ્યું હતું કે મોરબીના પીડીતો તો હજુ સુધી દુ:ખી છે. એક પીડિત પુરુષ ઘટનાને યાદ કરતા જ મહિલાઓ સામે પણ રડવા માંડયો હતો. ઝુલતા બ્રિજમાં વૃદ્ધો નહોતા, આ દુર્ઘટનામાં સૌથી વધુ યુવાનો અને બાળકોનું મૃત્યુ થયું છે. એક પરિવાર હજી પણ પોતાના સ્વજનની દુર્ઘટના પહેલાની મોબાઈલ ક્લિપ જોઈને રડી પડે છે. એક મહિલાને ચાર વર્ષનું બાળક ખોળામાં હતું અને આ દુર્ઘટનામા તેમને મોત મળ્યું. ઘણા પરિવારોમાં ઘર ચલાવતા યુવાનોનું મોત થયું છે. એક મહિલા આ દુર્ઘટના પહેલા વિધવા થઈ હતી, ત્યારે આ દુર્ઘટનામાં તેને પોતાના કમાવું દીકરાને ગુમાવ્યો હતો. આ પીડીતોમાં દસ વિધવાઓનો સમાવેશ થાય છે. એક કિસ્સામાં મહિલા- પુત્રી રોડ ઉપર ઉલિયા વેચીને જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. તો એકબીજા કિસ્સામાં આ દુર્ઘટના પુત્રનું મૃત્યુ થતાં તેના આઘાતમાં પિતાનું પણ મૃત્યુ થયું હતું. મેડિકલનો ખર્ચ પણ કંપની આપશે તેવી પણ લોકોને જાણ નથી.


કોઈને કંપની ઉપર વિશ્વાસ નથી, કોર્ટને પણ નહીં : કોર્ટ 

ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીની ભારે ઝાટકણી કાઢી જણાવ્યું કે, કંપનીએ ટ્રસ્ટને ફાળવેલા પંદર લાખ રૂપિયા ઓછા છે, આછોમાં ઓછા ૫૦ લાખ રૂપિયા ફાળવવા જોઇએ. કાલ ઉઠીને કંપની કહે કે, પીડિતોને વળતરની જરૂર નથી અને તમે વળતર આપવાનું બંધ કરી દો તો..? તેવું પણ બની શકે. કોઇને કંપની પર વિશ્વાસ નથી., કોર્ટને પણ નહી. ૧૩૩ મૃતકોના પરિવારો વચ્ચે પંદર લાખ રૂપિયા કંઇ ના કહેવાય. ઓરેવા કંપની એ પીડિતોને કોઇ દાન નથી કરી રહી. સીટના રિપોર્ટમાં પણ સ્પષ્ટ થયુ છે કે, ઓરેવા કંપની આ દુર્ઘટના માટે દોષિત છે. નગરપાલિકા પાસેથી બ્રિજનો કોન્ટ્રાકટ લઇને જેને કશું આવડતુ નહોતુ તેઓને કોન્ટ્રાકટ આપી દીધો. વળતર સિવાય બીજા કોઇ મુદ્દે કોર્ટ કંપની સાથે વાત કરવા તૈયાર નથી.


આઠ કિશોરીઓના લગ્નનો ખર્ચ ઓરેવા કંપનીએ ઉઠાવવો જોઇએ : કોર્ટ

હાઇકોર્ટના નિર્દેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અપાયેલી સહાય બાબતે પણ અમુક પીડિતોને માહિતી નથી. તો કેટલાક વાલીઓને એ પણ ખબર નથી કે, કોર્ટ દ્વારા બાળકોના કોલેજ અને શિક્ષણ બાબતે ખર્ચની જોગવાઇ કરાવવામાં આવી છે. વાસ્તવમાં તેઓને યોગ્ય અને પુરતા સહકારની જરૂર છે. હાઇકોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલું રૂ.૧૫ લાખનું ભંડોળ એ સામાન્ય રકમ છે. પીડિતો અને પરિવારમાં કંપની કે ટ્રસ્ટ દ્વારા મળનારી સહાયને લઇ અવિશ્વાસનું વાતાવરણ છે. તેથી આ વાતને લઇ લેખિત દસ્તાવેજ તૈયાર કરવો જરૂરી છે કે જેથી ભવિષ્યમાં લેખિત બાબત હોય તો કોઇ પ્રશ્ન ઉભો ના થાય. આ દુર્ઘટનામાં અસર પામનાર ૨૧ બાળકો અને આઠ કિશોરીઓ છે, તેઓને શિક્ષણ અપાય છે પરંતુ આઠ કિશોરીઓના લગ્નનો ખર્ચ ઓરેવા કંપનીએ ઉઠાવવો જોઇએ અને તેથી ટ્રસ્ટની પીડિતોને જે સહાય કરવાની યાદી છે. તેમાં આ બાબતનો સમાવેશ કરવા હાઇકોર્ટે તાકીદ કરી હતી.


- text