ગણેશ ઉત્સવમાં આટલી સાવધાની જરૂર રાખો : પીજીવીસીએલની અપીલ

- text


મોરબી : ગણેશ ચતુર્થીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે પી.જી.વી.સી.એલ, વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયા દ્વારા સલામત રીતે ઉજવણી કરવા અંગેના પગલાઓ સુચવવામાં આવ્યા છે.

જે અંતર્ગત પી.જી.વી.સી.એલ, વર્તુળ કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે, એલટી તેમજ ૧૧ કેવી હાઈ ટેન્શન લાઈન ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે. જેથી ગણેશ મૂર્તિના આવકાર કે વિસર્જન દરમિયાન પી.જી.વી.સી.એલ લાઈનની નીચેથી વધુ ઊંચાઈવાળી મૂર્તિ લઈ જવી નહિ. પી.જી.વી.સી.એલ લાઈનની નીચેથી પસાર થતી વખતે કોઈ પણ વસ્તુથી લાઈન ઉંચી કરવાનો પ્રયત્ન કરવો નહિ.

- text

ગણેશ મૂર્તિના આગમન પહેલા, પ્રજા, મંડળો, આયોજકોએ રસ્તાઓનો સર્વે કરી જરૂર જણાય તો પી.જી.વી.સી.એલ ની સંબધિત કચેરીનો સંપર્ક કરી, રસ્તામાં આવતી વીજ લાઈનની ઊંચાઈની ખરાઈ કર્યા પછી તેને અનુરૂપ ગણેશજીની મૂર્તિને સલામત અંતરેથી લઈ જવી. પી.જી.વી.સી.એલ વીજ લાઈનના ઇન્ડકશન ઝોનમાં આવવાથી પ્રાણઘાતક કે બિન- પ્રાણઘાતક અકસ્માતની સંભાવના રહેલી છે. આથી ગણેશજીની મૂર્તિ, લાઈનથી સલામત અંતર રાખી જે તે લાઈન નીચેથી જ પસાર કરવી જોઈએ જેની ખાસ તકેદારી રાખવી. ગણેશ મૂર્તિનાં પંડાલ-મંડપ ઈલેકટ્રીકલ નેટવર્ક (૧૧ કેવી વીજ લાઈન), વીજ ટ્રાન્સફર્મર વગેરેથી સલામત અંતરે રાખવા જરૂરી છે. અન્યથા વીજ અકસ્માતની સંભાવના રહેલી છે.

ભારે મોટા વાહનો જેવા કે બસ, ટ્રક, હાઈડ્રોલીક ડમ્પર તથા ઉંચાઈવાળા ભારે વાહનોને વીજ લાઈનની નીચે નજીક ઉભા રાખવા નહીં. અનિવાર્ય સંજોગોમાં વીજ પુરવઠાની ફરિયાદ સંબંધે પોતાના વિસ્તારની પેટા વિભાગીય કચેરીના ફરિયાદ નિવારણ કેન્દ્ર તેમજ ૧૯૧૨૨ પર જાણ કરવા અપીલ કરવામાં આવે છે.

- text