આજે શિક્ષક દિન : મોરબીના કલેકટર સહિતના અધિકારીઓએ પોતાના જીવનમાં શિક્ષકના મહત્વ વિશે શું કહ્યું ?

મોરબી : આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ..દરેકના જીવનમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો હોય છે તેમાં પણ સફળ વ્યક્તિઓ પાછળ હંમેશા એક શિક્ષકનું મહત્વનું યોગદાન ચોક્કસ હોય. ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાનાં તેમના જીવનમાં શિક્ષકના મહત્વ વિશે શું કહી રહ્યા છે ? ચાલો જાણીએ..


શિક્ષક એટલે દીવાદાંડી : મોરબી કલેકટર કિરણ ઝવેરી

મોરબી : મધદરિયે ચાલતી નાવ ને જેમ દીવાદાંડી જ રસ્તો બતાવે છે તેમ તમામ લોકોની જિંદગીમાં શિક્ષક દીવાદાંડી જેવું કાર્ય કરતા હોવાનું મોરબી જિલ્લા કલેકટર કિરણ ઝવેરીએ જણાવ્યું હતું, તેઓ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન હોય કે, રાષ્ટ્રપતિ હોય કે પછી સચિવ હોય તમામના જીવનમાં શિક્ષકનો મુખ્ય રોલ હોય છે, કોઈ વ્યક્તિ પાયલોટ બને છે તો કોઈ ડ્રાઇવર બને છે ત્યારે શિક્ષકના માર્ગદર્શન વગર સ્ટુડન્ટની જિંદગી અધૂરું હોવાનું કહેતા તેઓ ઉમેરે છે કે જયારે હું 12માં ધોરણમાં હતો ત્યારે તમામ વિદ્યાર્થીઓને પરિણામો આપ્યા બાદ સૌથી છેલ્લે તેમને રિઝલ્ટ આપી શિક્ષકોએ જણાવ્યું હતું કે, તમે બોર્ડમાં 5માં ક્રમે અને અમદાવાદ સેન્ટરમાં 4થા ક્રમે આવ્યા છો તેમ કહેતા જ હર્ષ આંસુ સાથે અલગ જ ફીલિંગ આવી હતી જે આજે પણ યાદ હોવાનું તેમને જણાવ્યું હતું.


શિક્ષક વગર વિદ્યાર્થી અધૂરો : ડીડીઓ પ્રજાપતિ

મૂળ મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના વતની અને હાલમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શિક્ષક વગર વિદ્યાર્થી અધૂરો છે, જો કે, બાલ્યકાળથી જ શાળામાં અભ્યાસમાં અવલ્લ આવતા જે.એસ.પ્રજાપતિને ક્યારેય શાળા કે, કોલેજમાં ગુરુજીનો ઠપકો સાંભળવો પડ્યો નથી, તેઓએ ઉમેર્યું હતું કે, ચોક્કસપણે શાળાના શિક્ષકો વિદ્યાર્થીના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. જો કે, તેમના જીવનમાં આવી કોઈ ઘટના બની ન હોવાનું તેમને જણાવી કહ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ માદરે વતનમાં મેળવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેઓએ કડી ખાતે અને બાદમાં એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો હતો.


વ્યક્તિના જીવનમાં પરિવાર પછી શિક્ષકનો સૌથી મોટો ફાળો : મોરબી જિલ્લા પોલીસવડા

કોઈપણ વ્યક્તિના જીવનમાં પરિવાર બાદ શિક્ષકનો સૌથી મોટો ફાળો હોય છે, વ્યક્તિની વર્તુણક, શિસ્ત અને જે હોદા ઉપર બિરાજમાન હોય છે ત્યાં સુધી પહોંચવામાં શિક્ષકની નોંધપાત્ર ભૂમિકા હોવાનું સ્વીકારતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ઉમેરે છે કે, તેઓ ઉત્તરપ્રદેશના અયોધ્યાના વત્તની છે, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અયોધ્યામાં જ લીધું જયારે તેઓ ધોરણ 11-12માં અભ્યાસ કરતા હતા ત્યારે કેમસ્ટ્રી સબ્જેક્ટ ખુબજ અઘરો લાગતો પણ તેમના ફેવરિટ શિક્ષક અતીક અહેમદે તેઓને સરળતાથી કેમસ્ટ્રી વિષય ભણાવતા આગળ જતા કેમેસ્ટ્રી વિષય તેમનો પસંદગીનો બની ગયો અને તેઓએ બનારસ હિન્દૂ યુનિવર્સીટીમાંથી બીટેક પૂર્ણ કરી યુપીએસસી ક્રેક કરી આઇપીએસ બન્યા છે, આજે પણ તેઓ તેમના પ્રિય શિક્ષક અતીક અહેમદને કાયમી યાદ કરતા હોવાનું ઉમેર્યું હતું.