મોરબી શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડાઓને કારણે વાહન ચાલકોને હાલાકી

- text


મોરમ અને વેટમીક્ષ નાખી રસ્તા રીપેર કરીશું : ટૂંક સમયમાં રસ્તા નવા બનાવવાની પણ કામગીરી શરૂ કરાશે : ચીફ ઓફિસર

મોરબી : ભારે વરસાદે મોરબી નગરપાલિકાની તમામ મોરચે પોલ ખોલી નાખી છે, ઉભરાતી ગટરોએ પ્રિ-મોન્સૂન કામગીરીનું ખોખલું સત્ય ઉજાગર કર્યું છે, તો સફાઈ વ્યવસ્થામાં પણ પાલિકા તંત્ર નબળું પુરવાર થયેલું દેખાઈ રહ્યું છે તેવામાં મોરબી શહેરના તમામ મુખ્ય માર્ગો મગરની પીઠ જેવા બની ગયા હોવાથી ઉંચાઈ ઉપરથી જોતા મોરબી મંગળગ્રહ સમાન બની જતા વાહનચાલકોને ઉબડ-ખાબડ રસ્તાઓ ઉપર વાહન ચલાવવા મજબુર બનવું પડ્યું છે. જો કે, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે તૂટેલા રસ્તા મામલે મોરમ અને વેટમીક્ષ નાખવાનું ચાલુ હોવાનું અને ટૂંક સમયમાં રસ્તોઓ ઉપર રિસરફેસ કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

મોરબી શહેરનો શનાળા રોડ હોય કે, સામાકાંઠા વિસ્તારને જોડતો મુખ્ય રોડ હોય કે,પછી કલેકટર કચેરી અને એસપી કચેરી જ્યાં આવેલ છે તે શોભેશ્વર રોડ હોય કે પછી નગરપાલિકા કચેરી સામેનો રોડ હોય ભારે વરસાદ બાદ મોરબી શહેરના તમામ નાના મોટા રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં ગાબડાં જ ગાબડાં જોવા મળી રહ્યા છે. આ ગાબડાઓની ભરમાર વચ્ચે મુખ્ય રસ્તો ઉપર થોડો અમસ્તો પણ વરસાદ વરસતા જ પાણી ભરાઈ જતા લોકોને ક્યાં ખાડો અને ક્યાં રસ્તો એ નક્કી કરવું મુશ્કેલ બની જતા રોજે-રોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે.


રેલવે સ્ટેશન રોડની હાલત અત્યંત ખરાબ

મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર નાના-મોટા વાહનોની સાથે હળવદ અને અમદાવાદ તરફ જતી એસટી બસ પણ અહીંથી જ ચાલતી હોય આ અત્યંત બિસ્માર બની ગયેલા રોડ ઉપર ચાલતા સમયે લોકોને કમરના દુખાવા થઇ જાય તે હદે ખાડા પડી ગયા છે, રેલવે સ્ટેશન રોડને જોડતા માર્ગ ઉપર વિજય ટોકીઝ પાસે પણ મુખ્ય રસ્તા ઉપર જીવલેણ ખાડા પડી ગયા હોવાની સાથે અહીં પાણી ભરાયેલા રહેતા હોય લોકોને જીવન જોખમે અહીંથી પસાર થવું પડે છે.

- text


જુના બસસ્ટેન્ડ પાછળ પસાર થતા જીવનું જોખમ

મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ પાછળ આવેલા રોડ ઉપર મહાકાય ખાડા પડી જવાની સાથે આ રોડ ઉપર ગંદાપાણીની સાથે વરસાદી પાણીનો પણ નિકાલ થતો ન હોવાથી ભરાયેલા રહેતા પાણીમાં લોકોને ખાડા દેખાતા જ ન હોવાથી દરરોજ અનેક નાના વાહન ચાલકોએ આ ખાડામાં ખાબકી રહ્યા છે.


આસ્વાદ પાન ચોકમાં મહાકાય ખાડો જીવલેણ

મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડના છેડે આવેલ આસ્વાદ પણ પાસે તો પાલિકાની બેદરકારીને કારણે દર વર્ષે ખાડા પ્રગટ થાય છે ત્યારે આ વર્ષે તો આસ્વાદ પાન વાળા ચોકમાં મહાકાય ખાડો પડી જતા નાના વાહનો તો ઠીક મોટા વાહન ચાલકો પણ ભૂલે ચુકે આ ખાડામાં આવે તો વાહનોમાં નુકશાની આવી રહી છે.


ખાડા બુરવા વેટમીક્ષ નાખીશું

મોરબી શહેર હાલમાં ખાડા નગરીમાં ફેરવાઈ ગયું છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર વાળાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદની સ્થિતિ બાદ જ્યાં જ્યાં રસ્તાઓ ઉપર ખાડા પડ્યા છે ત્યાં વેટમીક્ષ અને મોરમ નાખવામાં આવી રહી છે, જો કે શહેરના અનેક રસ્તાના કામ પણ મંજુર થયા હોવાથી ટૂંક સમયમાં રોડના રિસરફેસના કામ પણ શરૂ કરવામાં આવશે.


- text