મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ ખરાબ રોડના અને ભુગર્ભના પ્રશ્ને પાલિકામાં ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન 

- text


વેપારીઓ અને કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરીમાં ઢોલ વગાડીને વિરોધ કરાયો 

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નવાડેલા રોડ પર મસ મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 20 જેટલા વાહન ચાલકો આ ખાડામાં પડી ગયા હતા. આ ત્રણ વર્ષ જૂનો પ્રશ્ન છે અહી ભૂગર્ભ પણ છલકાઈ રહી છે. જે બાબતે અનેક વખત પાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે. પાલિકા દ્વારા માત્ર મોરમ નાખીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે જો રોડ ઊંચો કરવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ થઈ શકે તેમ છે. ત્યારે આ પ્રશ્નનું સમાધાન ન થતા આજે વેપારીઓએ કોંગ્રેસને સાથે રાખીને ઢોલ નગારા વગાડીને વેપારીઓ અને કોંગ્રેસના નેતાઓ મોરબી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ચીફ ઓફિસર હાજર ન હોય જ્યાં સુધી ચીફ ઓફિસર ન આવે ત્યાં સુધી બેસી રહેવા જણાવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા.

અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી જૂના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં ગટરના પાણી ભરાય છે. બે-બે ફૂટના ખાડા પડી ગયા છે. મોરબી શહેરના રસ્તાઓની આવી હાલત હોય આજે ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રને જગાડવા માટે અમે ઢોલ નગારા સાથે પાલિકા કચેરી આવ્યા છીએ. અહીંયા વિપક્ષના પ્રશ્નો સાંભળવા કોઈ હાજર હોતું નથી ત્યારે મોરબીના ધારાસભ્ય માત્ર વાતો કરવાના બદલે પ્રજાના પ્રશ્નોનું નક્કર સમાધાન કરે તેવી અમારી માગ છે.

ત્યાંના સ્થાનિક વેપારી મુબારકભાઈ ભટ્ટીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી અમારા રોડ પર ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને બે-બે ફૂટના મોટા ખાડા પડી ગયા છે. અહીંયાથી દરરોજ એસટી બસ પણ પસાર થાય છે અને વાહન ચાલકો આ ખાડામાં પડે છે. આ અંગે અમે અનેક વખત અગાઉ અરજીઓ આપી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

- text

- text